જાગૃત નાગરિકની માર્ગ અને મકાન વિભાગને રજુઆત મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે રોડ ઉપર અગાઉ સ્પીડ બ્રેકર હતા. પણ નવો રોડ બનતા આ સ્પીડ બ્રેકર ઉખેડી નાખ્યા બાદ નવા રોડમાં સ્પીડ બ્રેકર ન મુક્તા વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આથી, જાગૃત નાગરિકે માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને શનાળા પાસે સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી છે. મોરબીના શક્ત શનાળા ગામે રહેતા જાગૃત નાગરિક મનસુખભાઇ સુવારીયાએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી કે મોરબી નજીક આવેલા શક્ત શનાળા ગામે જુના રોડ ઉપર અગાઉ વાહનોના ગતિ નિયત્રણ માટે સ્પીડ બ્રેકર હતા. પણ હમણાં અહીંયા નવો રોડ બનતા સ્પીડ બ્રેકર નીકળી ગયા બાદ આ નવા રોડ ઉપર સ્પીડ બ્રેકર બનવવામાં આવ્યા નથી. આથી, અગાઉ અહીં સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. પણ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ મુખ્ય રોડ હોવાથી ભારે વાહનો મોટી માત્રામાં પસાર થતા હોવાથી ગ્રામજનો પર અકસ્માતનું જોખમ વધી ગયું છે. આ રોડની બન્ને બાજુએ સ્કૂલો આવેલી હોય અને વાહન વ્યવહાર સતત ધમધમતો હોવાથી મોટા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. આથી, આ અકસ્માતો નિવારવા માટે માર્ગ અને મકાન વિભાગ શનાળા ગામના નવા રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવે તેવી માંગ કરી છે.