ટંકારા : વર્તમાન સમયમાં મોટાભાગના સમાજે ખર્ચાળ અને વધુ સમય માંગી લે, તેવા જાજરમાન લગ્ન પ્રસંગમાંથી બહાર આવી થોડા સમયમાં અને ઓછા ખર્ચે થતા સાદગીપૂર્ણ લગ્ન પ્રસંગના પથને સ્વીકાર્યો છે. ત્યારે ટંકારાના નસીતપર ગામે પાટીદાર સમાજના એક યુગલ ઘડિયા લગ્ન થકી લગ્નગ્રંથીથી જોડાયા હતા. નસીતપર નિવાસી મનસુખભાઇ અમરશીભાઈ સંઘાણીના પુત્ર વિવેકના લગ્ન હીરાપર નિવાસી કેશવજીભાઇ મોહનભાઇ ફેફરની પુત્રી પારુલ સાથે નક્કી થતા, નવદંપતી એ ઘડિયા લગ્નમાં જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ લગ્ન પ્રસંગે સમાજના અગ્રણીઓ અને વડીલોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ તકે ઉપસ્થિત ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ - મોરબીના સભ્ય કે. વી. આદ્રોજા તથા મનસુખભાઇ સવસાણી સહિતના આગેવાનોએ વધતી જતી મોંઘવારીમાં ખોટા ખર્ચ કરવાને બદલે ઘડિયા લગ્ન કરવા બદલ બંને પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા.