ટંકારા : ટંકારા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય ઇજાગ્રસ્તોને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હમીરપર ગામે નેકનામ રોડ ઉપર આજે બપોરના સમયે બે કાર સામસામી ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ બનાવને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ બનાવની જાણ કરાતા પડધરી 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બંને કાર વચ્ચેના અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આથી, આ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસની તજવીજ હાથ ધરી છે.