મકાનના હપ્તા અને વ્યાજ પેટે લીધેલા પૈસા પચાવી પાડીને ઘરમાંથી તગેડી મૂક્યાંનો આરોપ : કાર્યવાહીની માંગ મોરબી : મોરબીના એક તબીબે મકાનના નામે રૂ. 3.5 લાખની છેતરપીંડી આચરી હોવાના આક્ષેપ સાથે મહિલાએ એસપીને રજુઆત કરી છે. જેમાં તબીબે મકાનના હપ્તા અને વ્યાજ પેટે લીધેલા પૈસા પચાવી પાડીને ઘરમાંથી તગેડી મુક્યા હોવાનો તબીબ ઉપર આરોપ લગાવ્યો છે. અને તબીબ ઉપર કાર્યવાહીની માંગ ઉઠાવી છે. મોરબીના સોનલબેન બાબુભાઇ સોલંકીએ એસપીને રજુઆત કરી હતી કે તેઓ મકાન ખરીદવા ઇચ્છતા હતા ત્યારે ધનજીભાઈ નામની વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે લાયન્સનગરમાં સુમિતભાઈ નામના બિલ્ડર છે. તેઓએ સુમિતભાઈને રૂ. 20 હજાર રોકડા ટોકન પેટે આપીને પાંચ માસમાં રૂ.5 લાખ ડાઉન પેમેન્ટ પેટે આપવાનું નક્કી કર્યું હતું. બાદમાં રૂ.50 હજાર રોકડા ડાઉન પેમેન્ટના હપ્તા પેટે આપ્યા હતા. પરંતુ બાદમાં માલુમ પડ્યું કે મકાન ટાઇટલ ક્લિયર નથી અને દસ્તાવેજ થાય તેમ નથી. આ મકાન ખરીદવાની ના પાડતા સુમિતભાઈએ ડાઉન પેમેન્ટ પરત આપવાની ના કહી દીધી હતી. ત્યારબાદ જાણવા મળેલ કે આ ડાઉન પેમેન્ટ ડો.આશર પરત અપાવી દેશે.એટલે તેઓ પાસે ગયા. તેઓએ આ પૈસા કઢાવવા માટે રૂ 27હજાર કમિશન પેટે લીધા હતા. બાદમાં તેઓએ કહ્યું કે તમારા રૂપિયા મળી ગયા છે. તમને બીજી જગ્યાએ મકાન અપાવી દઈશ. અત્યારે બધું પેમેન્ટ તેઓ આપી દેશે બાદમાં હપ્તેથી તેઓને રકમ ચુકવવાની રહેશે. બાદમાં દિનેશભાઈ પરમાર નામના બિલ્ડર પાસેથી મકાન અપાવી દેવામાં આવ્યું હતું. બાદમાં ડો.આશરે કહેલું કે તમારી લૉન થતી નથી. જેથી વ્યાજ પેટે રૂ. 10 હજાર અને હપ્તા પેટે રૂ.25 હજાર દર મહિને આપવાના રહેશે. બાદમાં તેઓએ રૂ. 3.5 લાખ પડાવીને મકાનમાંથી કાઢી મુકેલ છે. જેથી તેઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તેમ સોનલબેન સોલંકીએ રજુઆતમાં જણાવ્યું હતું.