સોનાનો ચેઇન દહેજમાં લઈ આવવાની માંગણી કરી પતિ દ્વારા અપાતો હતો શારીરિક-માનસિક ત્રાસ : મોરબી : તાલુકાના ઘુટું ગામની સીમમાં આવેલા એક સીરામીક કારખાનાના મજૂરોની ઓરડીમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરપ્રાંતીય મહિલાએ પોતાના શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા તેનું મોત નીપજ્યું છે. મૂળ યુ.પી.ના દેવરિયા જિલ્લાના ઉદલપુર તાલુકાના ફરીદપુર ગામના અને હાલ ઘુટું ગામની સીમમાં આવેલા અલ્ટ્રા સીરામીક કારખાનામાં કામ કરતા કારખાનામાં જ બનાવેલી મજૂરો માટેની ઓરડીમાં પત્ની અંજલિબેન સાથે રહેતા લક્ષમણ સામાભાઈ રાજભર સામે સુરત ખાતે રહેતા તેના સાળા રવિન્દ્રકુમાર બિંદુ રાજભરે તા.પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે કે તેની બહેનના લગ્ન થયા ત્યારે રીતી-રિવાજ મુજબ અમે તેણીને દહેજ આપ્યું હતું. પણ આમ છતાં તેના બનેવી વારંવાર મારી બહેન અંજલીને સોનાનો ચેઇન માવતરેથી લઈ આવવા મારકૂટ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે મારી બહેને શરીરે કેરોસીન છાંટી આપઘાત કર્યો છે. ઉક્ત ફરિયાદ બાબતે પોલીસે આરોપીની તપાસ કરતા આરોપી ફરાર થઈ ગયો હોવાનું જણાતા તા.પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એ.વી.ગોંડલીયાએ આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 306, 498 (ક) તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961ના કાયદાની કલમ 3,4 મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.