સામાકાંઠે જૈન દેરાસર અને સોસાયટીઓમાં ગટરના પાણીની ઉભરાતી ગંદકીથી રહીશો ત્રાહિમામ : સફાઈ મામલે પાલિકા તંત્રની વહાલા દવલાની નીતિના આક્ષેપ સાથે પાલિકા અને કોંગ્રેસ હાય હાયની નારેબાજી કરી ઉર્ગ દેખાવો કર્યા મોરબી : મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર 3 માં ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંદકી મામલે સ્થાનિક કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આજે રહીશોએ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને સામાકાંઠે જૈન દેરાસર અને સોસાયટીઓમાં ગટરના પાણીની ઉભરાતી ગંદકીથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા હોવાનો હૈયાવરાળ ઠાલવી હતી.તેમજ સફાઈ મામલે પાલિકા તંત્રની વહાલા દવલાની નીતિના આક્ષેપ સાથે પાલિકા હાય હાયની નારેબાજી કરી હતી.પાલિકા તંત્રએ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મોરબીના સામાકાંઠે લાલબાગ સરકારી વસાહત પાછળ આવેલી સોસાયટીઓમાં પાલિકા તંત્રના પાપે ભૂગર્ભ ગટરની સમસ્યા ગંભીર રીતે વકરતા આ વિસ્તારના લોકો વિફર્યા હતા અને આ વિસ્તારના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ સ્થાનિક રહશોએ આજે પાલિકા કચેતીમાં મોરચો માંડ્યો હતો. કાઉન્સિલર તથા સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરી હતી કે ,સામાકાંઠે રોટરીનગર ,,વર્ધમાનનગર ,રામકૃષ્ણનગર ,વિધુતનગર અનંતનગર ,,અરૂણોદયનગર સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે.ભૂગર્ભ ગટરની કુંડીઓ તૂટી જતા ગટર ઉભરાવવાની સમસ્યા હદ બહારની વકરી છે.તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં આવેલ જૈન દેસાસરમાં ચોમાસામાં ભારે પાણી ભરાયેલા રહે છે.તેમજ ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાતા જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ શકતા નથી.આ સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાવવાની સાથે નળ વાટે પણ દુર્ગંધ મારતું પાણી આવે છે.તેમજ લોકોના ઘરમા પણ ગટરના ગંદા પાણી ભરાઈ છે.તેથી બેસુમાર ગંદકીના કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય ઉપર જોખમાયું છે અને ઘરેઘરે બીમારીઓ ફેલાઈ ગઈ છે. પાલિકાના સફાઈ કામદારો આ વિસ્તારમાં સફાઈ કરવા તો આવે છે.પણ સફાઈમાં વ્હાલા દવલાની નીતિ રાખતાં હોવાનો આક્ષેપ કર્યો હતો અને સફાઈ કામના પૈસા ઉઘરાવીને જ કામ કરતો હોવાનો પણ રહીશોએ બળાપો ઠાલવ્યો હતો.જે વિસ્તાર પૈસા ન અપાઈ ત્યાં સફાઈ કરતા નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો.જે વધારે પૈસા આપે તેનું પહેલા કામ કરે છે,આ યોગ્ય સફાઈ મામલે અનેક વખત રજુઆત છતાં પરિણામ શૂન્ય રહેતા આજે લોકોએ પાલિકામાં ઉગ્ર રજુઆત કરી પાલિકા અને કોંગ્રેસ હાય હાયની નારેબાજી કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.આ બાબતે ચીફ ઓફિસરે ગટરની સમસ્યાનું ટુક સમયમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. [gallery ids='88328,88327,88326,88325']