ટંકારા : ટંકારાના બારનાલા પુલ પાસે અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ટંકારાના બારનાલા પુલ પાસે બાઈકચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા સામેથી આવી રહેલા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક વિજય લક્ષ્મણભાઇ બામભણીયા (ઉ.વ. 25, હાલ જાલીડા ગામ, ધ્રોલ તાલુકો, જામનગર, મૂળ રહે. ધાનપુર, દાહોદ, ધંધો મજૂરી)નું મૃત્યુ થયું હતું. તેમજ બાઇકમાં પાછળ બેઠેલ દિનેશભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી. મૃત્યુ પામનાર યુવક જાલીડા ગામથી માથક ગામમાં તેની બહેનને હોળી-ધુળેટી નિમિત્તે લેવા જઈ રહ્યો હોવાના અહેવાલ મળેલ છે. હાલમાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.