ભક્તિનગર સર્કલ પાસે બન્ને શખ્સો પોલીસને જોઈને કાર રેઢી મૂકી ભાગ્યા, પોલીસે પીછો કરી પકડી પાડ્યા મોરબી : ધ્રોલમાં સરાજાહેર ફાયરિંગ કરીને મર્ડર કરનાર બે શખ્સો ત્યાંથી નાશી છૂટીને મોરબી પહોંચ્યા હતા. જો કે અગાઉથી જ મોરબીમાં નાકાબંધીની સાથે ચાંપતો પહેરો ગોઠવાય ગયો હોય એ ડિવિઝન પોલીસે આ બંને શખ્સોને દબોચી લીધા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ ધ્રોલના ત્રિકોણ બાગ પાસે આજે બપોરના અરસામાં બે કે ત્રણ શખ્સોએ દિવ્યરાજસિંહ નામના યુવાન ઉપર સરાજાહેર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ શખ્સો સ્વીફ્ટ કારમાં નાશી છૂટયા હતા. નાશી છૂટેલા શખ્સો મોરબી આવે તેવી સંભાવનાના કારણે મોરબી એલસીબી, એસઓજી તેમજ એ ડિવિઝન પોલીસ સહિતનાએ નાકાબંધી કરી હતી. અને આ શખ્સો સ્વીફ્ટ કારમાં મોરબી પહોંચી આવ્યા હતા. આ શખ્સો શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યા અગાઉથી જ એ ડિવિઝનનો સ્ટાફ તૈનાત હતો. ત્યાં તેઓએ શેખાભાઈ રબારી અને શંભુભાઈ નામના પોલીસ જવાનો ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરીને કાર મૂકી નાશી છૂટયા હતા. ત્યાં એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતનાએ આ બન્ને શખ્સોને પકડી પાડ્યા હતા. પકડાયેલા બન્ને આરોપીઓનું નામ અનિરુદ્ધ સોઢા રહે. જામનગર અને મુસ્તાક પઠાણ રહે.રાજકોટ વાળા હોવાનું પ્રાથમિક વિગતો પરથી જાણવા મળ્યું છે.