સવાર, બપોર અને સાંજના સમયે મિશ્ર વાતાવરણને કારણે ખેડૂતોમાં છવાયા ચિંતાના વાદળો મોરબી : હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી મોરબીમાં ધૂપછાંવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક હળવા છાંટાથી લઈને ઝરમર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ વિસ્તારમાં થયેલા ઝરમર વરસાદના સમાચારથી મોરબી પંથકના ખેડૂતોમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. પાછલા બે દિવસથી મોરબીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડા પવનો, તો બપોરે ગરમીના કારણે નગરજનો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પાછલા બે દિવસો દરમ્યાન આકાશમાં અચાનક હલકા વાદળો છવાઇ જાય છે. ત્યારે આજે પણ મોરબીમાં સૂર્યનારાયણ સંતાકુકડી રમતા હોય એમ ઘડી ધૂપ તો ઘડી છાંવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિશ્ર ઋતુને કારણે વાતાવરણગત બીમારીથી સાવચેત રહેવા તંત્ર લોકોને ઘણી વાર અપીલ કરે છે ત્યારે હાલ એવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે.