બેટરી ચોર ગેંગના આંતકથી ગ્રામજનોમાં રોષ મોરબી : મોરબી પંથકમાં છેલ્લા બે માસથી ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરીના બનાવો સતત બની રહ્યા છે. ગઈકાલે માળીયા તાલુકાના બોડકી ગામે પણ તસ્કરો બેટરી ચોરવામાં સફળ રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાજપર (કું.)માં અને બે દિવસ પહેલા આમરણમાં પણ બેટરીની ચોરી કરતા તસ્કરો ત્રાટક્યા હોવાના અહેવાલો મળ્યા છે. રાજપર (કુંતાસી) ગામના સરપંચ દ્વારા જાણવા મળ્યું હતું કે ગઈકાલે એક ટ્રેક્ટરમાંથી બેટરી ચોરાઈ ગઈ હતી. તેમજ તસ્કરો અન્ય બે ટ્રેક્ટરોમાંથી બેટરી ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, આમરણ ગામમાં પણ બે દિવસ પહેલા વિનોદ વેલજીભાઈ કાસુન્દ્રાના ટ્રેક્ટરમાંથી અને અન્ય એક ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી થઇ ગઈ હતી. આમ, જુદા-જુદા ગામોમાં છાશવારે બેટરી ચોરી ગેંગ દ્વારા ટ્રેક્ટરોમાંથી બેટરી ચોરાઈ જતી હોવાથી ટ્રેક્ટરના માલિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.