મોરબી : ગુજરાત વિધાનસભામાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીની ધરોહર સમા ઝૂલતા પૂલની સુવિધા કાયમી ધોરણે ચાલુ રહે તે માટે પ્રશ્ન ઉઠાવતા મુખ્યમંત્રીશ્રીએ ઝૂલતા પૂલનું રિપેરિંગ કરવા ઓરેવા ટ્રસ્ટ સાથે મસલત ચાલુ હોય લોકોની સુવિધા ચાલુ રહેશે તેવી હૈયાધારણા આપી હતી. સાથોસાથ મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરને વિકસાવવા માટે નવી જેટીનું કામ સત્વરે ચાલુ કરવાના પ્રશ્નના જવાબમાં પણ રૂ. ૧૯૨ કરોડના ખર્ચે નવી જેટીનું ટેન્ડર બહાર પાડી ગયાની જાણકારી આપી હતી. તેમજ મોરબી જીલ્લામાં ૫૦ જેટલા શિક્ષકો પાસેથી તાલુકા પંચાયત / જિલ્લા પંચાયતમાં ક્લાર્કનું કામ લેવાતું હોવાને કારણે બાળકોનું શિક્ષણ કથળતું હોઈ આવા શિક્ષકો પાસેથી શિક્ષણનું જ કાર્ય લેવા માંગણી કરી હતી. માર્ગ – મકાન વિભાગની પ્રશ્નોતરીના પેટા પ્રશ્નમાં બ્રિજેશ મેરજાએ કંડલા નેશનલ હાઇવેના માળીયા (મીં)થી પીપળીયા ચાર રસ્તા સુધીનો રસ્તો સાગરમાલા નેશનલ હાઇવેમાં સમાવ્યો નથી. પીપળીયા ચાર રસ્તાથી જામનગર સુધી નેશનલ હાઇવે મંજૂર કરાયો છે તો આ માળીયા (મીં)થી પીપળીયા ચાર રસ્તા સુધીનો માર્ગ કેમ બાકાત રાખ્યો છે? તે નેશનલ હાઇવેમાં જોડવા માંગો છો કે કેમ? પ્રશ્નો ઊભા કર્યા હતા. તેના પ્રત્યુતરમાં નાયબ મુખ્યમંત્રીએ ધારાસભ્ય બ્રિજેશભાઈની લાગણી – રજૂઆત ધ્યાને લેવાશે તેવો હકારાત્મક પ્રતીભાવ આપ્યો હતો. મોરબી અને માળીયા (મીં) તાલુકામાં હૈયાત કોઝવે, સાંકળા નાળાની જગ્યાએ માઇનોર બ્રિજ બનાવવાની દરખાસ્ત અંગેના પ્રશ્નમાં મોરબી – માળીયા (મીં) ની દરખાસ્તો મળી હોવાની કબૂલાત કરવામાં આવી હતી. સને. ૨૦૧૯ ના ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે રસ્તા – નાળા – પુલિયાને નુકશાન અંગેના ધારાસભ્યના પ્રશ્નમાં ૧૩ રસ્તા તથા ૩૦ નાળા – પુલિયાને નુકશાન થયેલું તે તમામ મરામત કરાશે તેમજ વધુ નુકશાન પામેલ સાત રસ્તાઓના રીસર્ફેસિંગનું કામ પણ મંજૂર કરાયું હોવાની માહિતી આપવામાં આવી હતી. આમ, ધારાસભ્યશ્રીની માંગણી મંજૂર કરવામાં આવેલ છે.