વાંકાનેરના ભીમગુડા ગામે વર્ષ 2016માં બનેલા મારામારીના કેસનો કોર્ટે ચુકાદો આપ્યો વાંકાનેર : વાંકાનેરના ભીમગુડા ગામે વર્ષ 2016 માં ખેતરના શેઢા પાસે ટ્રેકટર ચલાવી નુકશાન કરીને ખેડૂત ઉપર હુમલો કરવાનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવીને તેને ત્રણ વર્ષની સજા ફટકારી છે. આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.5/12/2016 ના રોજ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે સીમમાં આવેલા ખેતરના શેઢા પાસે આરોપી રૈયાભાઈ રૂખડભાઈ વીંજવાડિયાએ ટ્રેકટર ચાલવીને નુકશાન કરતાં ખેડૂતે આ બાબતે ટપારતા ઉશ્કેરાયેલા આરોપીએ ખેડૂત અને સાહેદ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે જે તે સમયે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરીને વાંકાનેરની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. દરમિયાન આ બનાવનો કેસ આજે વાંકાનેર તાલુકાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.વી. પરમાર સાહેબની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરિયાદી, સાહેદ અને પુરાવાઓને ધ્યાને લઈને અને સરકારી વકીલ સી.એલ. દરજીની દલિલો ને ધ્યાને રાખી આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે.