પાટીદાર સમાજના અગ્રણીઓની લગ્નનો ખોટા ખર્ચ બચાવવા માટે ઘડિયા લગ્નની પરંપરાને પ્રચંડ પ્રતિસાદ મળ્યો મોરબી : ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ સમાજની મંગલ ઘટના છે. જેમાં નવદંપતી લગ્નના પવિત્ર બંધનમાં જોડાય છે. પરંતુ વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગે દેખાદેખીમાં લખલૂટ ખર્ચા કરવામાં આવે છે. જેનાથી મધ્યમવર્ગીય પરિવારો આર્થિક રીતે ખેંચાઇ જાય છે. અને અનેક લોકોના સમયનો વ્યય થાય છે. આ અટકાવવા મોરબીના કડવા પાટીદાર સમાજે એક નવી પહેલ કરી છે.પાટીદાર સમાજની લગ્નના ખોટા ખર્ચા બચાવવા માટેની ઘડિયા લગ્નની પરંપરાને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને હવે આ ઘડિયા લગ્નની પ્રથા આદર્શ બની ગઈ છે. મોરબી પાટીદાર સમાજની સમૂહ લગ્ન સમિતિ, કન્યા કેળવણી મંડળ, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, ઉમિયા સમાધાન પંચ, ઉમિયા મેરેજ બ્યુરો, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ અને પાટીદાર કેળવણી ધામ જેવી સંસ્થાના 50થી વધુ આગેવાનો પોતાના ખર્ચે અને પોતાનું જમવાનું સાથે લઈને જે પરિવારમાં સગાઈનો પ્રસંગ હોય ત્યાં પહોંચી જાય છે. આ આગેવાનો વર-કન્યાને તથા તેમના પરિવારજનોને એ જ દિવસે ખર્ચ વિનાના લગ્ન કરવા સમજાવે છે. અને આ રીતે મોરબી પંથકમાં છેલ્લા સવા વર્ષમાં 425 ઘડિયા લગ્ન થયા છે. આ વિચાર માળીયા (મીં) મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલાનો હતો. આ રીતે ઘડિયા લગ્ન કરવાથી વર-કન્યા તથા તેમના પરિવાર જનોના કપડા, ઘરેણા, બંને પક્ષના મોટા જમણવાર, હોલ કે પાર્ટીપ્લોટ, મ્યુઝિક પાર્ટી સહિતના ખર્ચા બચી જાય છે. આ ઘડિયા લગ્નમાં આર્થિક સામાન્ય પરિવારોથી લઇને પંથકના કરોડપતિ પરિવારો પણ જોડાયા છે. અને જેના કારણે રૂ. 25.50 કરોડથી પણ વધુની બચત થઈ છે. કડવા પાટીદાર સમાજ બાદ હવે લેઉવા પાટીદાર અને દલિત સમાજમાં પણ ઘડિયા લગ્ન લેવાવાના શરૂ થઈ ગયા છે. ઘડિયા લગ્ન કરનાર વર-કન્યાનું સન્માન કરાય છે અને ઘરવખરી અપાય છે. જે પરિવાર આ રીતે ઘડિયા લગ્ન માટે મંજૂરી આપે છે, તે નવદંપતીને પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ તરફથી કબાટ, પલંગ, ગાદલા, રસોડાનો સામાન, વાસણો અને ટીપોય જેવી ઘરવખરીની કિટ આપવામાં આવે છે. તેમજ સમાજના દાતા ગોવિંદભાઈ વરમોરા દ્વારા આવા પરિવારનું જાહેર સન્માન પણ કરવામાં આવે છે. 425 ઘડિયા લગ્નમાંથી એક જ દિવસમાં 20 ઘડિયા લગ્ન લેવાયા હતા.