મોરબી જિલ્લા શિક્ષણ સંઘની પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળામ શિક્ષકોની ભરતી અને પુસ્તકો તેમજ શિક્ષણ શાખામાં ક્લાર્ક ફાળવવા મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી છે. જેમાં સરકારી શાળામાં ધો. 1 થી 5 ના શિક્ષકોની ભરતી કરવા અને શાળાઓમાં વિધાર્થીઓના ભણતર માટે પૂરતા પ્રમાણમાં પુસ્તકો આપવા તેમજ શિક્ષણ શાખામાં ક્લાર્ક ફાળવવાની માંગ કરી છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ હુંબલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. 1 થી 5 માં ઘણા સમયથી શિક્ષકોની ભરતી કરવામાં ન આવી હોવાથી મોરબી જિલ્લાની ઘણી બધી સરકારી પ્રાથમિક શાળાઓમાં 200 વિધાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક કામ કરે છે. કેટલીક શાળાઓમાં ધો.1 થી 5 માટે 10 શિક્ષકોનું મહેકમ હોય છે. પણ એની જગ્યાએ શાળાઓમાં માત્ર 4 શિક્ષકો છે. ઘણી બધી શાળોઓમાં બહુ જ ઓછા શિક્ષકો છે. જેથી, શાળાના વ્યવસ્થાપનમાં ઘણી મુશ્કેલી સર્જાઈ છે અને શિક્ષકો પણ બોજ વધે છે. ભૂલ જે તે વિભાગની હોય છે પણ ઉચ્ચ અધિકારીઓ શાળાઓની મુલાકાતે આવે ત્યારે વગર વાંકે શિક્ષકોને ભોગ બનવું પડે છે. આથી, આવી શાળાઓમાં શિક્ષકોની તાકીદે નિમણુંક કરવાની માંગ કરી છે. સરકારી શાળાઓમાં દર વર્ષે રાજ્યના પુસ્તક મંડળ દ્વારા પાઠ્ય પુસ્તકો પુરા પાડવામાં આવે છે. પરતું સરકારી શાળામાં પાઠ્ય પુસ્તકો પૂરતા પ્રમાણમાં આવતા ન હોવાથી વિધાર્થીઓના અભ્યાસમાં ભારે મુશ્કેલી પડે છે. ઘણી વખત એવું બને છે કે સરકારી શાળાઓમાં વિધાર્થીઓ પ્રવેશ મેળવે છે. પણ પસ્તકો જ ન હોવાથી એ વિધાર્થીઓ ખાનગી શાળામાં ચાલ્યા જાય છે અને અપૂરતી માહિતીના કારણે પણ વિધાર્થીઓને પુસ્તકોથી વંચિત રહેવું પડે છે. તેથી, શાળાઓ વિધાર્થીઓની સંખ્યા ચકાસીને પૂરતા પ્રમાણમાં પુસ્તકો આપવાની માંગ કરી હતી. તેમજ મોરબી જિલ્લાની સરકારી શાળામાં વહીવટ કામગીરી કરતા કર્મચારીઓની ખૂબ ઓછી સંખ્યા છે. પરિણામે શિક્ષણ શાખામાં વહીવટી કામગીરી પર માઠી અસર થાય છે. તેથી, આ સમસ્યા હલ કરવા જિલ્લા અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ક્લાર્કની નિમણુંક કરવાની માંગ કરી છે.