મોરબી આરટીઓના પુલ પર બોલેરો કાર પલ્ટી જતા એકનું મોત , 24 ને ઇજા : સિવિલ હોસ્પિટલ અણી સમયે ટૂંકી પડતા મોટાભાગના ઇજાગ્રસ્તોને અન્યત્ર ખસેડાયા મોરબી : મોરબી નજીક રહેતા સરાણિયા પરિવારના 25 સભ્યોની ખીચોખીચ ભરેલી બોલેરો કાર શહેરના બાયપાસ પાસે આવેલ આરટીઓના પુલ ઉપર પલ્ટી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને 24 જેટલા સભ્યોને ઇજા પહોંચી હતી.જોકે અણીના સમયે સિવિલ હોસ્પિટલ આ અકસ્માતના ધાયલોની સારવાર કરવામાં ટૂંકી પડતા મોટાભાગના ઇજાગ્રસ્તોને સારવાર અથે રાજકોટ મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.મેલડી માતાના દર્શને જતા આ પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક નેશનલ હાઇવે પર દરિયાલાલ કાંટા ,શક્તિ ચેમ્બર પાછળ રહેતા સરાણિયા પરિવારના નાનાથી માંડીને મોટા સુધીના 25 જેટલા સભ્યો બોલેરો કારમાં બેસીને આજે મોરબીના બગથળા અને નાની વાવડી ગામ વચ્ચે આવેલ મેલડી.માતાના મંદિરે માનતા કરવા જઈ રહ્યા હતા.ત્યારે આ પરિવારની બોલેરો કાર મોરબી બાયપાસ પાસે આવેલ આરટીઓ કચેરી નજીકના પુલ પર અચાનક પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં સરાણિયા પરિવારના મંજુબેન ઉર્ફે વાલીબેન રૂડાભાઈ પરમાર ઉ.વ.30 ને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે આ પરિવારના અન્ય સભ્યો ગોગાભાઈ તેજાભાઈ ,જલપેશભાઈ ઘોઘાભાઈ ,ધવલ પરમાર ,કૈલાશભાઈ બાબુભાઇ ,રૂડાંભાઈ તેજાભાઈ ,તુષારભાઈ રૂડાભાઈ ,કિશોર સિંધવ ,પરેશકુમાર સિંધવ ,દિપુ ઘોઘા ,મધુબેન કુમાર ,રૈયાભાઈ નાથાભાઈ ,પરમેશ્વર રૂડાંભાઈ ,પુનીબેન રત્નાભાઈ સહિતના 24 ને નાની મોટી ઇજા થતાં આ તમામને 108 ના સ્ટાફ બી.એન. ગઢવી, સતીશ દવે, અજય બારીયા, નીતાબેન જોલીયા મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પણ સિવિલ હોસ્પિટલમાં તબીબોની સુવિધાનો અભાવ હોવાથી અકસ્માતના ઇજાગ્રસ્તો સારવારના અભાવે ભારે કણસી ઉઠ્યા હતા અને ધાયલોની ચિચિયારીથી હોસ્પિટલ ગાજી ઉઠી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં એક જ તબીબ હાજર હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ અકસ્માતમાં ઘાયલ થયેલા 24 જેટલા લોકો મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી.જોકે આ સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફે આ ધાયલોની સારવાર માટે ભારે કાળજી દાખવી હતી.પરંતુ હોસ્પિટલમાં ધાયલોની સારવાર માટે મહત્વના એક જ તબીબ હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.જેના કારણે ધાયલો ખાસ્સો સમય સુધી હેરાન થયા હતા અંતે આ મોટાભાગના ઘાયલોને વધુ સારવાર અર્થે રાજકોટ તેમજ મોરબીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવા પડ્યા હતા.જોકે આ જિલ્લા કક્ષાની સૌથી મોટી હોસ્પિટલમાં તબીબોની ભારે ઘટ છે.લાંબા સમયથી આ તબીબોની ખાલી જગ્યા ન ભરાતા આજે ઇમરજન્સી સમયે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી આખે ઉડીને વળગી હતી.