મોરબી : સૌરાષ્ટ્રના ગીર-બરડા-આલોચના જંગલોના નેસોમાં રહેતા અને અન્યત્ર સ્થળાંતરિત થયેલ રબારી, ભરવાડ અને ચારણ જાતિના ઇસમોના જાતિ પ્રમાણપત્રની ખરાઈમાં અન્યાય થવા અંગે મોરબીના માલધારી સમાજના આગેવાન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના ગીર-બરડા-આલોચના જંગલોના નેસોમાં વસવાટ કરતા અને અન્યત્ર સ્થળાંતરિત થયેલ આ જાતિના લોકોને ભારત સરકારના તા. 29/10/1956ના જાહેરનામા અન્વયે અનુસૂચિત જનજાતિમાં ગણેલ હોય અને ભારત સરકારના તા. 02/05/1975 અને તા. 22/03/1977ના પત્રોથી આ જાતિના લોકોને ગીર-બરડા-આલોચના જંગલોના નેસોમાંથી અન્યત્ર સ્થળાંતરિત થયેલ હોવા છતાં પણ તેઓનો અનુસૂચિત જનજાતિનો લાભ છીનવાય જતો નથી તથા રાજ્ય સરકારે તા. 28/01/1993ના ઠરાવ કરી જ. મ. મલકાણ નિવૃત સંયુક્ત સમાજ કલ્યાણ નિયામકને 17,551પરિવારો કે જેની યાદી આ પંચ દ્વારા સરકારમાં સુપ્રત કરેલ, તેની ચકાસણી કરી અહેવાલ સોંપવા આદેશ કરેલ હતો. તદનુસાર મલકાણ કમિટીએ અનેક નેસો અને તેના પરિવારોની મુલાકાત લઇ માનવવંશીય તથા નૃવંશશાસ્ત્રીય લક્ષણો, પરસ્પર રોટી-બેટીના વ્યવહારો, અનેકવિધ લાક્ષણિકતાઓ અને ધાર્મિક માન્યતાઓ, બારોટના ચોપડા અને આ પ્રકારની વિગતોની ચકાસણી કરી સરકારમાં અહેવાલ સુપ્રત કરેલ હતો. જેના આધારે સને 1994માં દરેક પરિવારોના વડાને વિગત દર્શક કાર્ડ આપવામાં આવેલું છે. આ વિગત દર્શક કાર્ડમાં મૂળ વસવાટનો નેસ અને સ્થળાંતરિત થયેલ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને આ વિગત દર્શક કાર્ડ સરકારના આદિજાતિ વિકાસ તરફથી ઇસ્યુ કરવામાં આવેલ છે. તેમજ આ કાર્ડમાં આદિજાતિ કમિશ્નરની સહી કરવામાં આવેલ છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો સહેલાઈથી મળે તે હેતુ નજર સમક્ષ રાખી ફરીથી સરકાર દ્વારા ડો. ચંદ્રકાન્ત ઉપાધ્યાય પંચની સને 2014માં નિમણુંક કરી અહેવાલ તૈયાર કરવા કામગીરી સોંપવામાં આવેલ અને ડો. ચંદ્રકાન્ત ઉપાધ્યાય દ્વારા સને 2015માં આ કામગીરી બાબતે અહેવાલ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરવામાં આવેલ છે. જેમાં પણ મલકાણ પાંચ દ્વારા તૈયાર કરેલ અહેવાલને સમર્થન આપવામાં આવેલ છે. આમ, આ કામે બે પંચો દ્વારા અહેવાલો તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવેલ અને સરકાર દ્વારા આ બંને અહેવાલોનો સ્વીકાર કરવામાં આવેલ છે. આમ, સરકાર દ્વારા આ બંને અહેવાલોનો સ્વીકાર કરવામાં આવેલ હોવાથી આ વિગત દર્શક કાર્ડને 1947 થી 1956 ના મુખ્ય પુરાવા રૂપે રાખવા રમેશભાઈ રબારીએ રાજ્ય સરકારને ભલામણ કરી છે.