રૂ. 18 લાખને બદલે રૂ. 15.80 લાખની લૂંટ થઇ હોવાની ફરિયાદ મોરબી : આજે સવારે 9-30 વાગ્યા આસપાસ મોરબીના વાવડી રોડ પરથી ધોળે દિવસે સીરામીક ઉધોગપતિની આંખમાં મરચું નાખી બે શખ્શો 18 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે. મોરબીની આલાપ સોસાયટીમાં રહેતા પ્લેટીના વિટ્રીફાઇડ સીરામીક કારખાનું ધરાવતા હિતેશભાઈ લાલજીભાઈ સરડવા આજે સવારે તેમના જુના ઘર વાવડી રોડ પરની સોમૈયા સોસાયટીમાં આવેલી ઓફીસ પાસે કાર લઈને પહોંચ્યા હતા. ત્યારે બાઇકમાં આવેલ બે શખ્સો સીરામીક ઉધોગપતિની આંખમાં મરચું છાંટીને તેમની પાસે રહેલા રૂ. 15.80 લાખ રોકડ ભરેલો થેલી ઝૂંટવીને બાઇકમાં જ ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સાથે એસ.પી. કરનરાજ વાઘેલા, એલસીબી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લૂંટના બનાવની તપાસ હાથ ધરી છે. જો કે બન્ને લૂંટારુઓ લૂંટ ચલાવીને બાઇકમાં નવલખી તરફ ભાગ્યા હોવાની વિગતો બહાર આવી છે. આથી, એસપીએ લૂંટારુઓને ઝડપી લેવા મોરબી જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં નાકાબધીના આદેશ આપ્યા છે અને અલગ અલગ ત્રણથી ચાર ટીમો બનાવની સઘન તપાસ કરવામાં આવી છે. આ ઘટનાનો ભોગ બનનાર વેપારી હિતેષભાઇ સરડવા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલ પર ડબલ સવારીમાં આવી લૂંટ કરી જનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ રૂ. 18 લાખના બદલે અંદાજિત રૂ. 15.80 લાખની લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ બેગમાં જુદી-જુદી પાર્ટીઓના ચેકો અને ઇનોવા કારના કાગળો પણ ભરેલ હતા, તેમ જણાવેલ છે. હાલ આ બનાવમાં પોલીસ દ્વારા બંન્ને લૂંટારૂઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.