એ ડિવિઝન પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી મોરબી : મોરબીના રાજપર રોડ, જય ભવાની જીનીંગ ફેકટરીમાં રહીને મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની પત્ની ઉપર ખોટી શંકા કરીને તેણીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ બનાવની મૃતકની કૌટુંબિક બહેનની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેને ઝડપી લીધો હતો. આ હત્યાના બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી નજીક આવેલ રાજપર રોડ ઉપર જય ભવાની જીનીંગ ફેકટરીની મજુરોની ઓરડીમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ધુલારામ શાંતીલાલ પરમાર નામના શ્રમિકે ગત તા. ૨૨ના રોજ તેમની પત્ની મનિષાબેન ધુલારામ પરમાર (ઉ.વ.૨૩) ઉપર ખોટો શક વહેમ કરી ઝઘડો કરીને તેણીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં તેણીના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસે દોડી જઈને આ હત્યાના બનાવની તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતકની કૌટુંબિક બહેન ટંકારા રાજકોટ હાઇવે પર ગેલેકસી હોટલ સામે આવેલ પરમ પોલીમર્સ કારખાનાની ઓરડીમા રહેતી આશાબેન જગદિશભાઇ ભુઇએ પોતાની કૌટુંબિક બહેનની તેના પતિએ ખોટી શંકા કરીને હત્યા કર્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.