મોરબી : વાંકાનેર અને થાન વચ્ચે રોડ વચ્ચે માટીના ઢગલા જોવા મળે છે. ભુમાફિયાઓ દ્વારા રોડ ઉપર નખાયેલો આ માટીનો કચરો વાહન ચાલક માટે જોખમ બન્યો છે. જો કે તંત્ર દ્વારા પણ આ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર અને થાન પંથક ખનીજ ચોરી માટે કુખ્યાત છે. ખનીજ ચોરીને જતા ડમ્પરો પુરપાટ ઝડપે દોડતા હોય અકસ્માત થયાના ભુતકાળમાં ઘણા બનાવ બન્યા છે. જો કે આ સમસ્યા એક તરફ રહી ગઈ છે. હવે ભુમાફિયાઓથી વધુ એક સમસ્યા લોકોને પડી રહી છે. ભુમાફિયાઓ રોડ વચ્ચે માટીનો કચરો ઢગલો કરી દેતા હોય અને આ રોડ ઉપર લાઈટ પણ ન હોય વાહનચાલકો સામે મોટું જોખમ ઉભું થયું છે. માટે માર્ગ અને મકાન વિભાગ અથવા પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.