હળવદ : ચિત્રોડી ગામમાં એક યુવતીની છેડતી કરવાના મામલે મારામારી થઇ હોવાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગઈકાલે તા. 19 ફેબ્રુઆરીના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં જીવણભાઈ છેલાભાઈ ગેલડીયા (ઉ.વ. ૨૩, ધંધો ખેતી, રહે. ચીત્રોડી, તા. હળવદ, જી. મોરબી)એ ફરિયાદ નોંધાવી છે કે પોતાના ભાઈજીની દીકરીને સુરેશ ફોન કરીને છેડતી કરતો હતો. આ મામલે ગત તા. 17ના રોજ આરોપીઓ હસુભાઈ જેસીંગભાઈ, સુરેશભાઈ હસુભાઈ, પ્રવીણભાઈ હસુભાઈ તથા ચનાભાઈ જેસીંગભાઈ (રહે. બધા ચિત્રોડી, તા. હળવદ, જી. મોરબી)ઓએ મારામારી કરી હતી. જેમાં હસુભાઈએ ધારિયાનો ઘા કરી જીવણભાઈના ડાબા હાથે કાંડા ઉપર ઈજા કરી હતી. તેમજ સુરેશભાઈ અને પ્રવીણભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ચનાભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી. હાલમાં આ બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.