લોકોના શારીરિક માનસિક આરોગ્યની સુખાકારી માટે આરોગ્યપ્રદ કેમ્પ યોજાશે : 25થી વધુ વખત રક્તદાન કરનાર લોકોનું બહુમાન કરાશે મોરબી : સંસ્કાર ધામ મોરબી સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી તા. 2 માર્ચથી 8 માર્ચ દરમિયાન શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે દ્વીદશાબ્દિ મહોત્સવ અને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને લોકોના શારીરિક માનસિક આરોગ્યની સુખાકારી માટે આરોગ્યપ્રદ કેમ્પ યોજાશે અને 25 થી વધુ વખત રક્તદાન કરનાર લોકોનું બહુમાન કરાશે. મોરબીના શનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે દ્વીદશાબ્દિ મહોત્સવ અને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના આયોજન સંદર્ભે તા. 3 માર્ચના રોજ સવારે 9 વાગ્યે સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજાની સ્મૃતિમાં જયદીપ પરિવાર દ્વારા સરવરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રોગોના નિષ્ણાત ડોકટરો દ્વારા દર્દીઓનું હેલ્થ ચેકઅપ કરાશે અને તા. 4 માર્ચના રોજ સીરામીક એસોસિએશન (વિટ્રીફાઇડ, ફ્લોર, વોલ ટાઇલ્સ) દ્વારા દંતરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્યુવેદ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા ,દાંતના રોગોનું નિદાન અને સારવાર તથા હલતા તેમજ દુઃખતા દાંત અને દાઢને જાલધર બંધ યોગ આર્યુવેદ પદ્ધતિથી કાઢી આપવામાં આવશે. તેમજ સ્વ. અણદીબેન અંબાભાઈ બોપલીયાની સ્મૃતિમાં સોનેટ સીરામીક (રાઘુભાઈ) દ્વારા તા. 5 માર્ચે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા આંખના સર્જન ડો. વી.સી.કાતરિયા સહિતની ટીમ દ્વારા આંખના વિવિધ રોગોનું વિનામૂલ્યે નિદાન કરાશે. આ ઉપરાંત, તા. 6 માર્ચે સ્વ. દૂધીબેન કચરાભાઈ અંબાણીની સ્મૃતિમાં અંબાણી સીરામીક ગ્રુપના સૌજન્યથી બ્લડ ડોનેશન કેંમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવાનો અનુરોધ કરાયો છે. તેમજ જે લોકોએ 25 કે એથી વધારે વખત રક્તદાન કરેલું હોય એ લોકોનું બહુમાન, શ્રી સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર મોરબી દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે કરવામાં આવશે. તેથી, જે વ્યક્તિઓએ આવું પાવન કાર્ય કરેલ હોય, તેઓએ પોતાનું નામ નીચે જણાવેલ મોબાઈલ નંબર ઉપર લખાવવા વિનંતી છે. જે તે વ્યક્તિઓએ 97732 80942 નંબર ઉપર જાણ કરવા વિનંતી છે અને સત્સંગનો તેમજ ઉત્સવનો લાભ લેવા આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.