ઇચલણની કામગીરી શરૂ : 100 જેટલા ચલણ ફટકારાયા : નવા લગાવેલા 152 કેમરા મારફત ટ્રાફિક ભંગ ઉપર રખાતી વોચ મોરબી : રાજ્યભરની સાથે મોરબીમાં નેત્રમ એપ્લિકેશન સંદર્ભે ઇચલણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઇચલણની કામગીરી માટે સર્વેલન્સ, સીસીટીવી કેમેરાના રૂમ સહિતનો એક અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. એસપીના માર્ગદર્શન હેઠળ અલગ સ્ટાફ જ આ કામગીરી કરી રહ્યો છે. અને નવા લગવાયેલા 152 સીસીટીવી કેમેરા મારફત શહેરના મુખ્ય અવર-જવરના માર્ગો પર ટ્રાફિકના ભંગ ઉપર સતત ચાંપતી નજર રખાઈ રહી છે.તેથી હવે કોઈપણ વાહન ચાલક ટ્રાફિકના ભંગથી બચી શકશે નહીં અને કોઈની પણ શેહ શરમ નહિ રહે. ત્યારે ઇચલણનો પ્રારંભ થતા અત્યાર સુધીમાં 100 જેટલા ઇચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં આશરે છ મહિના પહેલા નેત્રરમ એપ્લિકેશનનો ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે મોરબીમાં નેત્રમ એપ્લિકેશન સંદભે તા.15 થી ટ્રાફિકના નિયમોના સખત પાલન માટે ઈ ચલણ કામગિરી શરૂ કરવામાં આવી છે. આ ઇચલણની કામગીરી માટે સીસીટીવી, સર્વલેન્સ માટેનો એલ અલગ જ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં એસપી કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એક. પીએસઆઇ પી.ડી.પટેલના સુપરવિઝન મુજબ એ.એસ.આઈ. આરતીબેન દેત્રોજા સહિતનો 30નો સ્ટાફ આ ઇ ચલણની કામગીરી કરી રહ્યો છે. જેમાં 152 કેમેરા જે નવા લગાવવામાં આવ્યા છે. એના દ્વારા મોરબીમાં એન્ટ્રી, એક્ઝિટ સહિતના રસ્તાઓ ઉપર બસ સ્ટેન્ડ, શાળા કોલેજ અને મહત્વના સ્થળો ઉપર ટ્રાફિકની કામગીરીનું નિરક્ષણ કરવામાં આવે છે. તા.15થી શરૂ થયા બાદ અત્યાર સુધીના ટ્રાફિકના ભંગ બદલ 100 લોકોને ઇચલણ ફટકારી દેવામાં આવ્યા છે. આ ચલણ પોસ્ટ મારફતે તમામના ઘરે પહોંચાડી દેવામાં આવે છે. એટલે હવે ટ્રાફિકના ભંગ કર્યા બાદ કોઈની ભલામણ કે લાગવગ ચાલશે નહિ અને જે લોકો ટ્રાફિકનો ભંગ કરશે, તેમને હવે દંડ જરૂર થશે. દંડથી બચી શકશે નહીં. તેમજ દંડની રકમ ઓનલાઈન પોર્ટલ ઉપર ભરી શકાશે. તેમજ એસપી કચેરીમાં ટ્રાફિક ઓફીસમાં ચલણની રકમ ભરી શકાશે. જ્યારે ચાલુ બાઈકે મોબાઈલમાં વાત કરનારને રૂ. 500, ત્રણ સવારીમાં રૂ. 100, રીક્ષામાં આગળ પેસેન્જર ભરનારને રૂ. 500, વનવે ભંગ કરનાર ટુ વ્હીલરને રૂ. 500 અને ફોર વ્હીલરને રૂ 3 હજાર સુધીના ઇ ચલણ ફટકારાશે. એકથી વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો અને દંડ ન ભરે તો આરટીઓ દ્વારા વાહન ડિટેઇન કરાશે અને લાયન્સ રદ સુધીની આકરી કાર્યવાહી કરાશે. ઇચલણ ન ભરે તો વાહનનો વીમો પણ થઈ શકશે નહીં.આ ઇ ચલણ બાબતે માર્ગદર્શન અથવા માહિતી મેળવવી હોય તો નેત્રમ ઇન્ચાર્જનો સવારે 10થી 6 દરમિયાન 02822 242625 ઉપર સંપર્ક કરી શકાશે. જો કે અગાઉ ઇચલણનો રાજ્યના નાના શહેરોમાં સૌથી પ્રથમ મોરબીમાં પ્રારંભ થયો હતો અને ઇ ચલણ મોડેલના રૂપમાં મોરબી એ ડિવિજનમાં હતું. એ કેમરા સિવાયના આ નવા કેમેરા નાખવામાં આવ્યા છે. એ કેમરા પણ ચાલુ છે. તેથી ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ શકશે એવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે.