છેલ્લા ઘણા સમયથી દરરોજ બપોરના સમયે 150થી લોકો બસની અનિયમિતતાના કારણે થતા હતા પરેશાન મોરબી : મોરબી- રફાળેશ્વર એસટી બસના દરરોજના ધાંધિયાથી કંટાળી જઈને આજે વિદ્યાર્થીઓએ હાઉસીંગ બોર્ડ પાસે બસ રોકો આંદોલન ચલાવ્યું હતું. જેમાં એસટી બસને દોઢ કલાક જેટલો સમય થોભાવી દીધી હતી. આ મામલે જાણ થતા જ એસટી તંત્રએ તુરંત દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો. મોરબીથી રફાળેશ્વર જવા માટે બપોરે 12:30 વાગ્યે એસટી બસ મળે છે. બપોરનો સમય હોવાથી રફાળેશ્વર તથા મકનસરના મોટાભાગના છાત્રોને ઘરે પરત જવા માટે આ બસ અનુકૂળ આવે છે. જો કે આ બસ છેલ્લા ઘણા સમયથી અઠવાડિયામાં માત્ર એક કે બે વાર જ નિયત ટાઈમ ટેબલ મુજબ ચાલે છે. અને બાકીમાં દિવસોમાં બસના કોઈ ઠેકાણા હોતા નથી. માટે દરરોજ છાત્રોને હાલાકી વેઠવાનો વારો આવે છે. અંદાજે આ બસના સમયે દરરોજ 150થી વધુ લોકો રફાળેશ્વર અને મકનસર જવા માટે ઉભા હોય છે. એસટી બસના ધાંધીયાથી કંટાળીને આજે છાત્રોએ હાઉસિંગ બોર્ડ પાસે બસ રોકો આંદોલન ચલાવ્યું હતું. જેમાં એસટી બસને અંદાજે દોઢ કલાક જેટલો સમય થોભાવી દીધી હતી. આ અંગે જાણ થતાં જ એસટી તંત્ર દોડતું થયું હતું. એસટી વિભાગના અધિકારીઓએ ત્યાં દોડી આવીને વિદ્યાર્થીઓને બસ નિયમિત કરી દેવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો.