15થી 29 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં તેમજ હળવદ મામલતદાર કચેરીની બાજુમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં અને ટંકારમા જૂની મામલતદાર કચેરીની બાજુમાં સરકારી અનાજના ગોડાઉનમાં તારીખ 15થી ચણા તથા રાયડાની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવવાના કેન્દ્રો શરૂ કરાયા છે. આ કેન્દ્રોમાં 29 ફેબ્રુઆરી સુધી ખેડૂતો ચણા અને રાયડો વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ, બેંકની પાસબુક, સાત બારનો દાખલો, વાવેતરનો તલાટીનો દાખલો રૂબરૂ લઈને ખેડૂતો આ રજિસ્ટ્રેશન કરાવી શકશે. મોરબી-ટંકારામાં રાયડાનુ વાવેતર ન હોય રાયડા માટે માત્ર હળવદને જ સેન્ટર તરીકે માન્યતા મળી છે. જ્યારે ચણા માટે મોરબી, ટંકારા અને હળવદને સેન્ટર બનાવાયું છે. તંત્ર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે ચણા અને રાયડો વેચવા માટે જરૂરી દસ્તાવેજો સાથે ઉપરોક્ત સ્થળે રૂબરૂ જઈને ખેડૂત નિયત તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવે.