ખુલ્લી પડી રહેલી અન્ડરગ્રાઉન્ડ કુંડીઓને કારણે રોજ થતા સેંકડો અકસ્માતો ટંકારા : રાજકોટ-મોરબીને જોડતા નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવાની કામગીરી ઘણા વર્ષોથી ચર્ચામાં છે. અત્યાર સુધીમાં તંત્રની અણઘડ આયોજન નીતિને લઈને ઘટી દુર્ઘટનાઓ બની છે છતાં હજુ પણ આ માર્ગ પર સુરક્ષાને લઈને કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. લતીપર ચોકડીએ બની રહેલ ઓવરબ્રિજના ડાયવર્ઝનની બાજુમા ભૂગર્ભ ગટરની કુંડીઓ એક વર્ષથી ખુલ્લી હોય દરરોજ અહીંથી પસાર થતા નાના મોટા વાહનો ખુલ્લી કુંડળીમાં ખાબકે છે અને અકસ્માત સર્જાય છે. આવા નાના મોટા અકસ્માતને કારણે ટ્રાફિકજામ સર્જાય છે. લોકોના વાહનોને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. ટંકારાના નગરજનોની આ સમસ્યા અંગે પ્રાંત અધિકારી ખાચર બેખબર છે એવું સ્થાનિકો નથી માની રહ્યા, કેમકે મામલતદાર કચેરીના ક્વાર્ટર સામે જ એક કુંડી ઉધાડી પડી છે. જેમાં અનેક ગૌવંશ અને કાર સહીત નાના મોટા વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. 21 તારીખે મહાશિવરાત્રી પર્વને લઈ મહામહિમ રાજ્યપાલ ટંકારા આવવાના છે ત્યારે આ કુંડીઓ રાતોરાત બંધ થઈ જશે એ જોતાં એટલું તો સાબિત થવાનું છે કે તંત્ર પાસે મેનપાવર સહિતની બધી સવલતો હોવા છતાં માત્રને માત્ર દાનતની કમીને કારણે લાખો લોકો પરેશાની ઉઠાવી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓ સામે તંત્ર કેમ કોઈ પગલાં નથી ઉઠાવી રહ્યું એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.