લાંબા સમયથી વાવડી રોડના નવીનકરણની માંગ અંતે સાકાર થતા સ્થાનિકોને રાહત મોરબી : મોરબીનો વાવડી રોડ ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે. ઉબડ ખાબડ રોડ ઉપર સતત ઊડતી ધૂળની ડમરીને કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો ભારે ત્રસ્ત છે. ત્યારે લાંબા સમયથી વાવડી રોડના નવીનકરણની માંગ અંતે સાકાર થઈ છે. આજે વાવડી રોડને આરસીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોરબીનો વાવડી રોડ ઘણા સમયથી અતિ બિસમાર હાલતમાં છે. ત્યારે વાવડી રોડને નવો બનાવવાની સ્થાનિકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાવડી રોડને નવો બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાવડી રોડના કપિલા હનુમાનથી બાયપાસ સુધીનો બે કિમીનો રોડ આરસીસીથી મઢવાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બીજેશ મેરજા, તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાચોટીયા, મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા, કે.ડી.પડસુબિયા, ડો. એલ.એમ.કંઝારીયા, પાલિકાના ઉપપ્રમુખ એમણાબેન મોવર, કે.પી.ભાગીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી સહિતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રોડનું કામ છ મહિનામાં પૂરું કરવાની જોગવાઈ છે અને આર.એન.બી.ના અધિકારીઓએ પણ રોડનું કામ તેની સમય મર્યાદામાં પૂરું કરવાની આશા વ્યક્ત કરી છે. જો કે વાવડી રોડ લાંબા સમયથી ભંગાર હાલતમાં હતો અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય વાવડી રોડને નવો બનાવવાની સ્થાનિકોએ અનેક વખત રજુઆત કરી છે ત્યારે હવે એ લાંબા સમયની માંગ સાકાર થવા જઈ રહી છે. એથી, જવાબદાર તંત્ર વાવડી રોડને ટકાઉ અને મજબૂત બનાવે તેવી સ્થાનિકોએ અપેક્ષા વ્યક્ત કરી છે.