વેલેન્ટાઈન ડેની વાત્સલય દિવસ તરીકે ઉજવણી કરી આ વર્ષે પણ જોય રાઈડનું વિશેષ આયોજન કરાયું મોરબી : 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. આ દિવસને વિશ્વભરમાં પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષિત લોકો આ દિવસ વિશે લગભગ વધુ જાણે છે એટલે તેઓ વિવિધ રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. જો કે અલ્પ શિક્ષિત અને ગરીબ તેમજ શ્રમજીવી વર્ગમાં આ દિવસને લઈને કોઈ ખાસ ઉત્સાહ વર્તાતો હોતો નથી. અલબત્ત મોરબીમાં વસતા શ્રમજીવી પરિવારોના બાળકો પાછલા પાંચેક વર્ષથી વેલેન્ટાઈન ડેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. કેમકે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ પાછલા પાંચેક વર્ષોથી 14 ફેબ્રુઆરીના દિવસને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવી રહ્યા છે. આ દિવસે ગ્રુપના સભ્યો દ્વારા ગરીબ વર્ગના બાળકો અને શ્રમિક વિસ્તારમાં આવેલી શાળાના બાળકોને કંઈકને કંઈક સરપ્રાઈઝ આપીને વાત્સલ્ય વરસાવવામાં આવે છે. આવતી કાલે 14 ફેબ્રુઆરી 2020ના દિવસે ગ્રુપના સભ્યો દ્વારા આવા બાળકો માટે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત પછાત વિસ્તારના દરિદ્ર બાળકોને મોરબીના ઉધોગપતિઓની મોંઘી કારોમાં જોય ઓફ રાઈડ કરાવવામાં આવશે. જે બાળક ક્યારેય છકડો કે રીક્ષા સિવાય કોઈ અન્ય વાહનમાં બેસવાની કલ્પના પણ ન કરી શકતો હોય તેઓને દેશ-વિદેશની મોંઘી કારમાં મોરબી શહેરમાં ફેરવવામાં આવશે. બાળકો માટે આ એક રોમાંચકારી અનુભવ બની રહેશે. સ્કાય મોલ પાસે સવારે 09:30 વાગ્યે શ્રમિક પરિવારના બાળકોને એકઠા કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કરાશે. જેમાં વિવિધ ઉધોગપતિઓ દ્વારા ડ્રાયવર સહિત મોકલેલી મોંઘી કારોમાં બાળકોને પુરા માન સન્માન સાથે બેસાડીને શહેરની સેર કરાવવામાં આવશે. આ સુહાની સફર બાદ તમામ બાળકોને જમાડવામાં આવશે. મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમ દ્વારા આ વાત્સલ્ય દિવસ માટે ભારે જહેમત ઉઠવાઈ રહી છે.