વર્ષ 2018 માં થયેલી મારામારીના કેસમાં હળવદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે વર્ષ 2018 માં ખેતીની જમીન ખેડવા મામલે ડોકટર અને તેના સબધી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કેસ આજે હળવદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી છ માસની કેદની સજા અને રૂ.3 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ખાતે રહેતા અને પ્રાઇવેટ ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા ડો. કાંતિલાલ ગોવિંદભાઈ ઉઘરેજા અને તેમના સંબંધીઓ ગત તા.9/9/2018 ના રોજ હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં આટો મારવા ગયા હતા.ત્યારે આરોપીઓ ચંદુભાઈ રાયસંગભાઈ કોળી રહે રણછોડગઢ ,અમરશીભાઈ સોમાભાઈ સારલા ,અનિલદાન આવડદાન ગઢવી રહે બન્ને સરભંડા વાળાઓએ ખેતીની જમીન ખેડવા મામલે ગાળો આપી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની જે તે સમયે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.દરમિયાન આ મારમારીનો કેસ આજે રાજ સાહેબ ચીફ જ્યૂડી.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી.મારવાણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ થયેલા 7 મૌખિક અને 3 દસ્તાવેજી પુરવાને ધ્યાને લઈને આ કેસમાં ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ત્રણેયને છ માસની કેદ અને રૂ.3 હજારનો દંડ ફટકાર્યો હતો.