પહેલા કોઈ અજાણી સ્ત્રીએ વૃદ્ધ દંપતીને કંઈક પીવડાવી દેતા બન્નેને અસર થઈ હોવાની નોંધ થયા બાદ પોલીસની તપાસમાં માત્ર તબિયત લથડી હોવાનું ખુલ્યું મોરબી : મોરબીના ખાખરાળા ગામે વૃદ્ધ દંપતીને કોઈ અજાણી સ્ત્રીએ કંઈક નશાકારક પીણું પીવડાવી દેતા બેભાન થવાથી બંને હોસ્પિટલમાં ખસેડાયા હોવાની તાલુકા પોલીસ મથકે નોંધ થઈ હતી. બાદમાં પોલીસે વૃદ્ધ દંપતીનું નિવેદન લેતા તેમને કોઈએ પણ આવું કશું પીવડાવ્યું ન હોવાનું જણાવી જમ્યા પછી બન્નેની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા નરોત્તમભાઈ રામભાઈ ચૌહાણ ઉ.વ.62 અને તેમના પત્નિ ચંદ્વિકાબેન નરોત્તમભાઈ ચૌહાણ ઉ.વ.60 ની ગઈકાલે બોપરના સમયે અચાનક તબિયત લથડતા આ વૃદ્ધ દંપતીને તાકીદે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જો કે આ હોસ્પિટલના ડોકટરે તાલુકા પોલીસ મથકે એવી નોંધ કરાવી હતી કે આ વૃદ્ધ દંપતીને કોઈ અજાણી સ્ત્રીએ ચામાં કઈક પીવડાવી દેતા અસર થવાથી બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે તાલુકા પોલીસના જે.બી.ઝાલાએ જણાવ્યું હતું કે તેમણે મામલદારની હાજરીમાં વૃદ્ધ દંપતિનું નિવેદન નોંધાવ્યું હતું કે તેઓ બન્ને પતિ પત્ની ગઈકાલે બપોરે ચા પાણી પીધા પછી અચાનક તબિયત લથડી હતી. આથી તેઓ પુત્રને જાણ કરીને હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમને કોઈએ કશુંજ પીવડાવ્યું નથી. કદાચ ખોરાકી અસર ન કારણે આવી રીતે અચાનક તબિયત લથડી હોઈ શકે છે.