મોરબી : મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી) દ્વારા તમામ પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓ માટે કામચલાઉ ધોરણે પ્રતિ કિલો ફેટ રૂ 700નું ભાવ બાંધણું નક્કી કર્યું છે. ગાયના દૂધમાં દ્વિધરી પદ્ધતિ પ્રમાણે રૂ.700 પ્રતિ કિલો ફેટ તથા ભેંસના દૂધમાં રૂ 700 કિલો ફેટના ચૂકવવાનું જાહેર કર્યું છે. આ ભાવોમાં પ્રતિ કિલો ફેટે રૂ. 5 મંડળીને કમિશન પેટે ચૂકવવાનું કામચલાઉ ધોરણે નક્કી કરવામાં આવ્યું છે. મંડળીઓમાંથી આવતા દૂધમાંથી સંઘને ઉપજેલા નાણાં ધ્યાનમાં લીધા બાદ વર્ષના આખરમાં છેવટના વધ-ઘટ ભાવ નક્કી કરવામાં આવનાર છે. આ સાથે જ મયુર ડેરીએ ચુકવણી માટે કેટલાક નિયમોની સૂચિ પણ જાહેર કરી છે. જે મુજબ ભેંસના દૂધમાં એસ.એન.એફનું પ્રમાણ જાળવવા માટે લેકટોમીટરનો આંક 31 અથવા 31 થી વધુ હોવો જોઈએ, જ્યારે ગાયના દૂધમાં આ આંક 30 અથવા 30થી વધુ હોવો જોઈએ સહિતના નિયમો જારી કર્યા છે.