મોરબી : મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલના આંગણે 7મોં ભવ્ય વાર્ષિકોત્સવ તથા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને આશરે 5000 જેટલી જનમેદનીએ માણ્યો હતો. જેમાં આશરે 350 જેટલા વિદ્યાર્થીઓ તથા યુવાનો દ્વારા ભારતવર્ષની ગૌરવગાથામાં મોંહે-જો-દારો, આચાર્ય ઉપસ્થિત ચાણક્ય, સમ્રાટ અશોક, છત્રપતિ શિવાજી, મંગલ પાંડે, મહાત્મા ગાંધી, શહિદ ભગતસિંહ, સરદાર પટેલ અને ગુરુકુળ સંસ્કૃતિના પુન:ઉદ્ધારક શહસ્ત્રીજી મહારાજ જેવા મહાનાયકોની ગાથાનું આબેહૂબ રૂપક આગવા અંદાજમાં રજુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ધીરજભાઈ કાકડિયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમજ ગાંધીનગરના ડે. કલેક્ટર જીતેન્દ્રભાઈ ભોરણીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુરુમહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ સાથે 70થી વધુ વિદ્યાર્થીઓને ધર્મજીવન સ્કોલરશીપ રૂપે 7 લાખથી વધુ રકમ ફાળવવામાં આવી હતી. તેમજ ગુરુકુળના તેજસ્વી તારલાઓ તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં, નીતિનભાઈ અઘારાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા વિદ્યાર્થી ઋતિક ડોબરિયાને ગુરુકુળ રત્ન એવોડ અર્પણ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ આચાર્ય, સંતો અને સંસ્થા સંચાલક સ્વામી જ્ઞાન જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ સફળ રીતે સંપન્ન થયો હતો.