૪૦૦ મીટર તેમજ ૧૫૦૦ મીટર રનીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવતા મોરબી એ ડીવીઝન પોલીસના મહીલા લોકરક્ષક મોરબી : ગઈકાલે ગુજરાત પોલીસ અકાદમી દ્વારા ગાંધીનગર ખાતે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એથેલેટીક્સ મીટ-૨૦૨૦ કપનુ આયોજન થયેલ હતું. જે સ્પર્ધામાં મોરબી જીલ્લામાં “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહીલા લોકરક્ષક ભુમીકાબેન દુર્લભજીભાઈ ભુતએ ૪૦૦ મીટર તથા ૮૦૦ મીટર રનીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. જેમાં તેઓએ ઉપરોક્ત બન્ને રનીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયન જાહેર થયેલ છે. તેઓ આ સ્પર્ધામાં સતત બીજા વર્ષે ચેમ્પિયન થયેલ છે. જે ખરેખર ગુજરાત પોલીસ તેમજ મોરબી જીલ્લા પોલીસ માટે ખુબજ ગૌરવનો પ્રસંગ છે. આમ, ભુમીકાબેન દુર્લભજીભાઈ ભુત મહીલા લોકરક્ષક મોરબી સીટી “એ” ડિવીઝન પોલીસ સ્ટેશનનાઓ રમત-ગમત ક્ષેત્રે ખુબ જ ગૌરવવંતી કારકીર્દી ધરાવે છે. તેઓ પોલીસ ખાતાની ત્રણ વર્ષની કારકીર્દીમાં સતત ત્રણ-ત્રણ વખત રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સીનીયર મહીલા કેટેગરીમાં ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ચેમ્પિયન થયેલ છે. તદઉપરાંત તાજેતરમાં રાજકોટ ખાતે રોટરી ક્લબ તેમજ મહા નગરપાલીકા દ્વારા આયોજીત ૧૦ કી.મી. મહીલા મેરેથોન વિભાગની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ચેમ્પિયન થયેલ હતા. તેમજ તે પહેલા ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ તથા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કપની ૪૦૦ મીટર તેમજ ૮૦૦ મીટરની રનિંગ સ્પર્ધામાં પ્રથમ આવી ચેમ્પિયન થયેલ હતા. આમ તેઓ ખુબ જ ટુંકા સમયમાં રમત-ગમત ક્ષેત્રે પ્રશંસનીય સફળતા પ્રાપ્ત કરી મોરબી એ. ડિવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી જીલ્લા પોલીસ તેમજ ગુજરાત રાજ્ય પોલીસનું ગૌરવ વધારેલ છે. તેઓને આ બાબતે મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા સાહેબનું સતત માર્ગદર્શન અને તેઓને પ્રેક્ટીસ માટે યોગ્ય અનુકુળતાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં પણ તેઓ રમત-ગમત ક્ષેત્રે ભવ્ય કારકિર્દી બનાવે અને ગુજરાત પોલીસનું નામ રોશન કરે તે માટે યોગ્ય કોચીંગ તથા સગવડોની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે.