ન્યુ યરના વેકેશન પૂર્વે ચીને વૈશ્વિક માર્કેટમાં ઠાલવેલો ઢગલાબંધ માલ પૂર્ણ થવાના આરે : માલની ખરીદી માટે ચીનના વિકલ્પમાં એક માત્ર મોરબી સિરામિક મોરબી : હાલ ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. જેના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગનો ધંધો થોડા જ દિવસોમાં 10 ટકા જેટલો વધે તેવી પ્રબળ સંભાવના છે. કારણ કે હાલ ચીનમાં નિકાસ સજ્જડ બંધ છે અને ચીનના વીકલ્પમાં એક માત્ર મોરબી સિરામિક છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ માત્ર 15થી 20 દિવસમાં જ મોરબી સિરામિકને ઓર્ડરો મળવા લાગશે. ચીનમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. જેના કારણે ચીને અનેક શહેરોને લોક ડાઉન કર્યા છે. જો કે ચીન સિરામિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં નંબર વન ઉપર છે. પરંતુ કોરોના વાયરસને લીધે ઉદભવેલી વિકટ પરિસ્થિતિમાં ચીન અન્ય દેશોને સિરામિકનો માલ મોકલી શકે તેમ નથી. કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે વિશ્વના તમામ દેશોએ ચીનથી આયાત કરવાનું બંધ કરી દીધું છે. જો કે ચીનમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. સદનસીબે તાજેતરમાં ચીને ન્યુ યર વેકેશન પૂર્વે વૈશ્વિક માર્કેટમાં સિરામિકનો મોટો જથ્થો ઠાલવી દીધો હતો. હવે આ જથ્થો પૂર્ણ થવા આવ્યો છે. જેથી ચીનના હરીફ એવા મોરબીના સિરામિકને અન્ય દેશોમાંથી ધરખમ ઓર્ડર મળે તેવી સંભાવનાઓ છે. આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા સાથે 'મોરબી અપડેટે' વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ચીનથી સિરામિક પ્રોડક્ટનું એક્સપોર્ટ બંધ થઈ જતા મોરબી સિરામિકની પ્રોડક્ટની ડીમાન્ડ વધશે. આ ડીમાન્ડ અત્યારે વધી જ ગઈ હોત પરંતુ ચીનના ઉદ્યોગોએ ન્યુ યર વેકેશનમા રજા રાખવા માટે વેકેશન પહેલા તેના ગ્રાહકોને માલની ખૂબ મોટી સપ્લાય કરી દીધી હતી. આ માલનો જથ્થો અત્યાર સુધી વૈશ્વિક બજારમાં ચાલી રહ્યો હતો. બસ હવે આ માલનો જથ્થો પૂર્ણ થવા આવ્યો છે. એટલે 15 કે 20 દિવસમાં મોરબીના સિરામિક ઉદ્યોગના ધંધામાં 10 ટકા જેટલો વધારો નોંધાશે. ઉલ્લેખનીય છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં સિરામિક ક્ષેત્રે નંબર વન ગણાતા ચીનને એકલા હાથે ટક્કર આપી રહ્યો છે. એટલે ચીનના એકમાત્ર હરીફ ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગને ચીનના તમામ ઓર્ડરો ટૂંક સમયમાં મળતા થવાના છે.