ગાંધીનગરના આયોજિત એક્સપોના દર વર્ષે ચીનીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે આ વર્ષે તેને એક્સપોમાંથી બાકાત રાખવા જ હિતાવહ મોરબી : રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આગામી માર્ચ મહિનામાં ઇન્ડિયન સિરામિક એક્સપો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ એક્સપોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જો ચીનીઓ મોટી સંખ્યામાં આવશે તો કોરોના વાયરસનું મોટું જોખમ સર્જાય તેવું ઉદ્યોગ નિષ્ણાંતો માની રહ્યા છે. માટે આ વર્ષે ચીનને એક્સપોથી દૂર રાખવું જ હિતાવહ હોવાનું જણાય રહ્યું છે. ગાંધીનગરમાં દર વર્ષે માર્ચમાં સિરામિક એક્સપો યોજાઈ છે. જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગો મોટી સંખ્યામાં ભાગ લ્યે છે. અને નવી નવી મશીનરી અંગે વિગતો લ્યે છે અને તેની ખરીદી પણ કરે છે. વધુમાં આ સિરામિક એક્સપોમાં ચીનથી મોટી સંખ્યામાં લોકો ભાગ લ્યે છે અને ત્યાંથી ઘણા વિઝિટર્સ પણ અહીં આવે છે. જો કે હાલ ચીનમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. એક તરફ ચીન સતાવાર રીતે મોતના ઓછા આંકડાઓ જાહેર કરી રહ્યું છે. જ્યારે ગુપ્તચર એજન્સીઓ હજારોની સંખ્યામાં મોત નિપજ્યાનું જાહેર કરી રહી છે. આ બન્નેમાંથી તથ્ય જે પણ હોય પરંતુ આ વાયરસ માત્ર ચીન માટે નહીં સમગ્ર વિશ્વ માટે જોખમી બન્યું છે તેમાં બે મત નથી. કોરોના વાયરસે ચીનને ઝપેટમાં લીધું છે. માર્ચ મહિનામાં યોજાનાર ઇન્ડિયન સિરામિક એક્સપોમાં જો ચીનીઓ આવશે તો કોરોના વાયરસ પ્રસરવાની સંભાવના રહેશે. માટે ઘણા નિષ્ણાંત ઉદ્યોગપતિઓએ આ એક્સપો મોકૂફ રાખવા અથવા તો ચીનીઓને એન્ટ્રી ન આપવાની માંગ કરી રહ્યા છે. વધુમાં મોરબીમાંથી આ એક્સપોમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જાય છે. ત્યાં જો ચીનીઓ હશે તો સમગ્ર મોરબીના આરોગ્ય ઉપર પણ અસર સર્જાશે તે નક્કી છે.