હળવદ : હળવદતાલુકાના નવા ઇસનપુર ગામે ગઈકાલે વિકાસના બે કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામથી મેઇન રોડને જોડતા પુલનું તેમજ નવા પંચાયત ઘરનું ધારાસભ્યએ અને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે રીબીન કાપી પુલને અને પંચાયત ઘરને ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. હળવદ તાલુકાના ઇસનપુર ગામમાં ગામના મેઇન રોડને જોડતો બેઠો પુલ હોય, જેને કારણે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ હોય ત્યારે ગામ લોકોને અહીંથી અવરજવર કરવી મુશ્કેલ બનતી હતી. ઘણી વખત તો ગામના લોકો ગામ બહાર પણ નીકળી શકતા ન હતા ત્યારે ગામલોકોની સમસ્યાનુ કાયમી માટે નિરાકરણ આવે તેવા હેતુ સાથે અહીં લાખો રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે. તેમજ ગ્રામ પંચાયતના જર્જરિત પંચાયત કચેરીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા નવુ પંચાયત કચેરી બનાવવામાં આવી છે. જેનું ગઈકાલે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નવા બનેલા પુલ પર રીબીન કાપી પુલને ખુલ્લો મુક્યો હતો. જ્યારે પંચાયત કચેરીનું તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાના હસ્તે રિબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઇસનપુર ગામે વિવિધ કામોના લોકાર્પણ પ્રસંગે જશુભાઇ પટેલ તથા ધીરુભાઈ ઝાલાએ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે બકાભાઈ ઠક્કર, દલવાડી સમાજના પ્રમુખ રવજીભાઈ દલવાડ, કેતનભાઇ, ધીરુભાઈ દલવાડી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બળદેવભાઈ સોનગરા, ગામના સરપંચ ગોપાલભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.