મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેશ જેતપરીયાના બહેન અસ્મિતાબેન દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર વધારવા નવતર પ્રયોગ હાથ ધરાયો : 'આદર્શ વિદ્યાર્થી' પ્રોજેક્ટની રાજ્યકક્ષાએ પસંદગી મોરબી : મોરબીના મૂળ લાલપર ગામના વતની મનોવિજ્ઞાનના શિક્ષિકા અને મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેશ જેતપરીયાના બહેન ડૉ. અસ્મિતા મહાદેવભાઈ જેતપરિયાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તેઓએ રજૂ કરેલા 'આદર્શ વિદ્યાર્થી' પ્રોજેક્ટની રાજ્યકક્ષાએ પસંદગી થઇ છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની સ્વસ્તિક હાઈસ્કૂલના શિક્ષિકા ડો. અસ્મિતાબેન જેતપરીયાએ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર વધારવાના હેતુથી ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પર એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ 'આદર્શ વિદ્યાર્થી' પ્રોજેક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓ શિસ્તનું પાલન કરે, 100% હાજર રહે તથા યુનિટ ટેસ્ટમાં વધુ માર્ક્સ પ્રાપ્ત કરે તે મુજબ તેમને રૂ. 10 થી 20 સુધીના વિવિધ ટોકન આપવામાં આવે છે. વર્ષના અંતે વિદ્યાર્થીઓ પાસે જે ટોકન ભેગા થાય, તે મુજબ તેને રોકડ પુરસ્કાર આપવા આવે છે. જેથી, તેજસ્વી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત થાય છે અને નબળાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પ્રેરાય છે. તેમજ તોફાની વિદ્યાર્થીઓ જેઓ નકારાત્મક પ્રવૃત્તિઓ કરી અભ્યાસમાં અડચણરૂપ બની અન્યનું ધ્યાન ખેંચવા માંગતા હોય, તેઓ વધુ ટોકન ભેગા કરવા માટે અભ્યાસ તરફ વળે છે. આમ, આ પ્રયોગ થકી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક, માનસિક તથા આર્થિક સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું હાજરીનું પ્રમાણ ઓછું હોય છે તેમજ વિદ્યાર્થીઓમાં શિસ્ત તથા શિક્ષણનો અભાવ જોવા મળે છે. ત્યારે ડો. અસ્મિતાબેનના 'આદર્શ વિદ્યાર્થી' પ્રયોગ સ્વસ્તિક શાળાના વિદ્યાર્થીઓમાં સફળ સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ગાંધીનગર જિલ્લાના કુલ 36 શિક્ષકોએ ભાગ લીધો હતો. તેમાંથી રાજ્યકક્ષાએ પસંદ થયેલા શિક્ષકો પૈકી ડો. અસ્મિતાબેનનો સમાવેશ થાય છે. આ તકે તેઓને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા છે. જે બાબત મોરબી માટે ગૌરવ સમાન છે. જે બદલ ડો. અસ્મિતાબેનને પરિવારજનો, મિત્રવર્તુળ તથા સાથી કર્મચારીઓ દ્વારા શુભેચ્છા તથા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.