હળવદ પોલીસ દ્વારા ૪૮ નંગ દારૂની બોટલ તેમજ ૪૮ નંગ ચપલા મળી કુલ ૧૯ હજારનો મુદ્દામાલ કબજે કરાયો હળવદ : ગઈકાલે મોડી સાંજે હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ ચપલા સાથે એક યુવકને ઝડપી લેવાયો હતો. બાદમાં પોલીસ દ્વારા રૂપિયા ૧૯ હજારના દારૂ સાથે આરોપીને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ સંદિપ ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના યોગેશ દાન ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ, દેવુભા ઝાલા સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા અમિતભાઈ આસારામ રાવળદેવ પોતે દારૂનો વેપલો કરતો હોય એને હાલ તેના ઘરે જ દારૂ સંઘર્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીના રહેણાંક મકાનમાં તપાસ કરતા ૪૮ દારૂની બોટલો તેમજ ૪૮ નંગ ચપલા મળી આવ્યા હતા સાથે જ આરોપી અમિતને પણ દબોચી લેવાયો હતો. પોલીસ દ્વારા રૂપિયા ૧૯૨૦૦ના દારૂ સાથે આરોપીને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી દારૂનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો, કેટલો લાવવામાં આવ્યો હતો અને કેટલો વેચી દેવામાં આવ્યો છે. તેમજ હજુ આની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તેમ સહિતની તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે.