વાહનના એક્સિડન્ટ બાદ ક્લેઇમ થતા બનાવટી વીમા પોલિસીનો થયો પર્દાફાશ : વીમા કંપનીની ફરિયાદના આધારે નોંધાયો ગુનો મોરબી : મોરબીમાં બરાબર રીતે જાણ્યા વગર વીમા પોલીસી ખરીદનારાઓ માટે સાવધ થવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બનાવટી વીમા પોલીસી સામે આવી છે. વીમા કંપનીએ આ બનાવટી પોલીસી મામલે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આગળની તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ ગો–ડીજીટ કંપનીમાં નોકરી કરતા નીકુંજ મહેશભાઈ શુકલ દ્રારા તા. 7 જાન્યુ.ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એવી અરજી આપવામા આવેલ હતી કે, અમારી રાજકોટ બ્રાન્ચે અંદાજીત બે મહીના પહેલા મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ જાબુઆ (મધ્યપ્રદેશ)ના મોટર એકસીડન્ટ કલેઈમ કેસ નં. ૨૩૫/૨૦૧૯ મુજબના દાવા વીમા પોલીસી કોર્ટના સમન્સ સાથે મળેલ હોય જે અંગે અમોએ વીમા પોલીસી વેરીફાઈ કરતા અમારી વીમા કંપની ‘ગો–ડીજીટ', દ્રારા આવી કોઈ પ્રકારની પોલીસી ઈશ્યુ કરવામાં આવેલ નથી અને ગો ડીજીટ દ્વારા આમ આ પોલીસી નં. D004642791 તારીખ ૨૪ જુન ૨0૧૯ થી ૨૩ જુન ૨૦૨૦ સુધીના સમય ગાળા માટે ઈશ્યુ કરવામાં આવેલ ન હોય, અને આ D004642791 નંબરની પોલીસી બનાવટી હોય જે રેકર્ડ વેરીફાઈ કરતા જાણવા મળેલ હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુના રજી. નં. 100/19 ના કામે અજાણ્યા ઈસમો દ્રારા વાહન નંબર GJ-36-S-1448ની બનાવટી પોલીસીની ખરી તરીકે ઉપયોગ કરી મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ જાબુઆમાં કલેઈમ કેસ દાખલ કરી બનાવટી વીમા પોલીસીના આધારે વીમા કંપની સાથે ઠગાઈ આરોપીઓએ કરેલ છે. તેમજ મોરબી પોલીસ સમક્ષ બનાવટી વીમા પોલીસી આરોપીઓએ રજુ કરેલ આમ આરોપીઓ બદ ઈરાદો ધરાવતા હોય અને તેઓએ ઈ.પી.કો કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૨૦, ૪૦૬ વગેરે કલમો હેઠળ ગંભીર ગુનો આચરેલ હોય જેથી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. વીમા એજન્ટો દ્વારા ભૂતકાળમાં પણ બનાવટી વીમા પોલીસીઓ બનાવવામાં આવતી હોય અને આમ વીમા કંપની તથા ગ્રાહકો સાથે છેતરપીંડી તથા ઠગાઈ કરવામાં આવતી હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર થતા બોગસ વીમા પોલીસીઓ બનાવનાર માટે આ લાલબતી સમાન છે.