વર્ષ 2019માં 11,005 બાળક અને 11,010 બાળકી જન્મી : વર્ષ 2018માં જન્મદરના રેશિયામાં રહેલો 1098 બાળકીનો તફાવત 2019માં દૂર થઈ ગયો મોરબી : મોરબીમાં સરકારની બેટી બચાવો ઝુંબેશ રંગ લાવી છે. વર્ષ 2018માં બાળકોના જન્મદરની સાપેક્ષે બાળકીનો જન્મદર 1098 જેટલો પાછળ હતો. પરંતુ આ તફાવત વર્ષ 2019માં નાબૂદ થયો છે. હવે સમગ્ર જિલ્લામાં બાળક અને બાળકીનો જન્મદર 1:1ના રેશિયામાં હોવાનું જાહેર થયું છે. સમગ્ર દેશમાં દીકરીઓની સંખ્યા વધારવા સરકારે રીતસર બેટી બચાવો અભિયાન છેડયું હતું. જેમાં દીકરીને તેમજ તેના પરિવારને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તેવું સુચારૂ આયોજન પણ કરવામાં આવ્યું હતું. સરકારની આ ઝુંબેશ મોરબી જિલ્લામાં સફળ રહી હોય તેવું ચોક્કસ પણે કહી શકાય. કારણકે મોરબીમાં વર્ષ 2019માં બાળક અને બાળકીના જન્મદરનો 1:1ના રેશિયો થઈ ગયો છે. આંકડાકીય વિગતો જોઈએ તો મોરબી જિલ્લામાં વર્ષ 2018માં તાલુકા વિસ્તારમાં 2535 અને નગરપાલિકા વિસ્તારમાં ૯૦૬૬ બાળકોનો જન્મ થયો હતો. સામે તાલુકા વિસ્તારમાં 2378 જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 8125 બાળકીઓનો જન્મ થયો હતો. આમ કુલ 11601 બાળકો અને 10503 બાળકીઓનો જન્મ થયો હતો. જ્યારે વર્ષ 2019માં તાલુકા વિસ્તારમાં 2042 અને નગરપાલિકા વિસ્તારમાં 8963 બાળકોનો જન્મ થયો હતો. સામે તાલુકા વિસ્તારમાં 1942 જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 9068 બાળકીઓનો જન્મ થયો હતો. આમ કુલ 11005 બાળકો અને 11010 બાળકીઓનો જન્મ થયો હતો. વર્ષ 2018મા જન્મનાર બાળકોની સંખ્યા કરતા બાળકીઓની સંખ્યા 1098 જેટલી ઓછી હતી. જો કે વર્ષ 2019મા આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી. આ વર્ષમાં બાળકીઓની સંખ્યા બાળકોથી 5 જેટલી વધી હતી. આમ મોરબી જિલ્લામા બાળકીઓનો જન્મદર ઊંચે પહોંચ્યો છે. મૃત્યુ દરના આંકડા જોઈએ તો વર્ષ 2018માં 3407 પુરૂષ અને 2404 મહિલા જ્યારે વર્ષ 2019માં 3490 પુરૂષ અને 2457 મહિલાઓનું મૃત્યુ થયું હતું. આમ બન્ને વર્ષમાં મૃત્યુદરમાં કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી.