ટંકારા : ટંકારામાં થોડા દિવસ પહેલા નિશાચરોનો તરખાટ જોવા મળ્યો હતો ત્યારબાદ લજાઈમાં દુકાનોના તાળા તોડી હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા ત્યારે હવે નિશાચરોને હડમતિયા ટાર્ગેટ હોય તેમ રાત્રી દરમિયાન નિશાચરો આટાફેરા કરતા જોવા મળ્યા હતા. ટંકારાના હડમતિયામાં એક ઈલેકટ્રોનિક દુકાન પરથી મોડી રાત્રીએ બે ખુરશી ચોરાઈ ગઈ હતી, તે ખુરશીઓ નવા પ્લોટની કુમારશાળાના છત પરથી મળી આવી હતી. આ ખુરશીઓ કોઈ નિશાચરો લઈ ગયા હતા કે કોઈ આવારા તત્વોએ જાણી જોઈ આ કૃત્ય કર્યું છે? તે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બનીને જ રહી જતા ગામમાં તર્કવિતર્ક સર્જાય રહ્યા છે. આ ઉપરાંત, થોડા દિવસ પહેલા નિશાચરોએ ટંકારા, લજાઈ ગામે દુકાનોના તાળા તોડી હાથ ફેરો કરી નાસી છુટ્યાના બનાવો સામે આવ્યા હતા ત્યારે છાશવારે બનતા આવા બનાવોથી ગ્રામજનોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમજ બે દિવસ પહેલા પણ એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ થયેલ પણ તે જ દુકાનમાં માલિકને સુતો જોઈ નિશાચરો ભાગીને અંધારામાં ગાયબ થઈ ગયા હતા અને દુકાનના તાળા તોડવાનો પ્રયાસ નિષ્ફળ નિવડેલ ત્યારે ગામના જાગૃત નાગરિકે આ બાબતે ટંકારા પીએસઆઈ એલ. બી. બગડાને ફોન કરતા રાત્રી પેટ્રોલિંગમાં પીએસઆઈ હોવાથી ફોન કરતા તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી પણ કશું જ હાથ લાગ્યું ન હતું. ટંકારા પંથકમાં છાશવારે આવી ઘટનાઓ બનતી હોવાથી પોલીસ તંત્ર તાકીદે યોગ્ય પગલાં લે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.