વર્ષ 2018ના કેસમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદો : મોરબીના ગ્રેવીટી સીરામીક પ્રા.લી.ની કાનૂની લડત રંગ લાવી મોરબી : મોરબીના સિરામિક એકમને નરોડાની એક કંપનીના ડિરેકટરે આપેલો ચેક રિટર્ન થયાના વર્ષ 2018ના કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે નરોડાની કંપનીના ડાયરેક્ટરને કસૂરવાર ઠેરવીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે કંપનીને ચેકની રકમ રૂ. 16.55 લાખ તેમજ ડાયરેક્ટરને દંડ પેટે રૂ. 33.11 લાખ દંડ પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની ગ્રેવીટી સિરામિક પ્રા.લીમાંથી નોઈડાની આરકેએસ સિરામિક પ્રા.લી. પેઢી માલ લેતી હતી. માલના વેચાણની લેણી નીકળતી રૂ. 16, 55,624ની રકમનો ડિરેકટર અભિમન્યુ અહલાવતે ચેક મોકલ્યો હતો. જો કે આ ચેક રિટર્ન થતા મોરબીના સિરામિક એકમે લીગલી નોટિસ પાઠવી હતી. તેમ છતાં ડિરેકટર તરફથી કોઈ જાતનું ચુકવણું કરવામાં ન આવતા મોરબીના સિરામિક એકમ ગ્રેવીટી પ્રા. લી.ના ડાયરેક્ટર અંકુરભાઈ જેતપરિયાએ તા. 21/07/2018ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં આ કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા તેઓએ નોઈડાની આરકેએસ સિરામિક પ્રા.લી.ના ડાયરેકટર અભિમન્યુ અહલાવતને કસૂરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેસની સજા ફટકારી છે. સાથોસાથ કંપનીને લેણી નીકળતી રકમ રૂ. 16, 55,624 તેમજ ડાયરેક્ટર અભિમન્યુને દંડ પેટે બમણી રકમ રૂ. 33,11,248 ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આ રકમ ન ચૂકવે તો ડાયરેકટરને વધુ 3 મહિનાની સજાનો હુકમ કર્યો છે.