મોરબી : ગુજરાત રાજય અન્ન આયોગના અધ્યક્ષશ્રી અમૃત પટેલ, IAS (રીટાયર) તથા સભ્ય સચિવ એમ. એ. નરમાવાલા IAS (રીટાયર) તથા સભ્ય દિનેશભાઇ કારીયાની ઉપસ્થિતિમાં અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલીકરણ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગુરુવારે મળેલ બેઠકમાં ગુજરાત રાજય અન્ન આયોગના અધ્યક્ષશ્રી અમૃત પટેલે, IAS (રીટાયર) જણાવ્યું હતું કે રાશન કાર્ડની દુકાન બહાર ઓઇલ પેઇન્ટરથી બોર્ડ લગાવવા, રેશનકાર્ડ ધારકોને બેંકમાં ખાતા ખોલવા, બી.પી.એલ. ધારકોને જેને કાર્ડની જરૂર નથી. તેને એ.પી.એલ કરવા, દુકાનદાર ટાઇમસર દુકાન ખોલે અને પોતાની દુકાનને મોડેલ દુકાન બનાવે તે અંગે વિવિધ સુચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટર જે.બી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં મોરબી જિલ્લામાં અન્ન સલામતી કાયદા હેઠળની વિવિધ જોગવાઇની સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન પી જોષી, મોરબી પ્રાંત અધિકારી ખાચર, વાંકાનેર પ્રાંત અધિકારી વસૈયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા, આઇ.સી.ડીએસ.ના પ્રોગામ ઓફીસર કોમલબેન, દહેજ પ્રતિબંધક અધિકારી ડોડીયા, તેમજ જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ અને સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.