સરકારી તિજોરીમાં જમા કરવાના બદલે 2.37 લાખ રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી મોરબી : માળીયા મી.ની કોર્ટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારની ફરજ બજાવતા કર્મચારી સામે માળીયા મી.ના પો.મથકમાં કોર્ટના રૂ.2.37 લાખની રૂપિયાની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાતા સી.પી.આઈએ માળીયા જઈ આરોપીને સકંજામાં લઈ વધુ પૂછપરછ માટે મોરબી લઈ આવી 4 રિમાન્ડ દિવસના રિમાન્ડ પર લઈને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. માળીયા કોર્ટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા યોગેશસિંહ ચૌહાણે કોર્ટમાં જુદા જુદા હેડમાં આવતી અને સરકારી તિજોરીમાં જમા કરાવવાની રોકડ રકમની ઉચાપત કર્યાની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા માળીયા પો.મથકમાં કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા રજિસ્ટ્રારે જ્યારે એકાઉન્ટ રેકોર્ડ તપાસ્યું ત્યારે 2.37 લાખની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી, મોરબી જિલ્લા કોર્ટના રજિસ્ટ્રાર ભરતભાઇ શાંતિલાલ રાવલ દ્વારા યોગેશસિંહ હરીશસિંહ ચૌહાણ સામે માળીયા પો. મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન 2018ના મે માસથી 2020ના જાન્યુઆરી માસ દરમ્યાન સમયાંતરે જુદા જુદા હેડની હેઠળ સરકારી તિજોરીમાં જમા કરાવવાની થતી રકમ આશરે 2.37 લાખ રૂપિયા જમા ન કરાવીને આરોપીએ પોતાના અંગત ઉપીયોગમાં લીધા હોવાનું જણાઈ આવતા આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને મોરબી લાવી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટે આરોપીના તા.5 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.