બગીમાં બેસાડી સામૈયું કરાયું, મોટી સંખ્યામાં યુનિયનના હોદ્દેદારો અને સભ્યોની ઉપસ્થિતિ મોરબી : મોરબી- વાંકાનેર રેલવેમાં ફરજ બજાવતા એક કર્મચારી વય નિવૃત થતા તેઓનો જાજરમાન વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં તેઓને બગીમાં બેસાડીને ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં યુનિયનના હોદ્દેદારો અને સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. મોરબી- વાંકાનેર રેલવેમાં ફિટરમેન તરીકે ફરજ બજાવતા ખોડાભાઈ વિઠ્ઠલભાઈ બોપલીયા ગત તા.31ના રોજ વયનિવૃત્ત થયા હતા. તેઓ 1983થી રેલવેમાં નોકરી ઉપર લાગ્યા હતા. 36 વર્ષથી કારકિર્દીમાં તેઓએ રાજકોટ, મોરબી, વાંકાનેર, અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનોમાં ખૂબ જ ખંતપૂર્વક કામગીરી કરી હતી. આ ઉપરાંત તેઓએ પોતાના મળતાવળા સ્વભાવને કારણે બહોળું મિત્રવર્તુળ પણ બનાવ્યું હતું. તેઓની વય નિવૃત્તિ બદલ જાજરમાન વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુનિયનના પ્રમુખો, મંત્રીઓ, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તેઓના સગા સ્નેહીઓ, મિત્રો તેમજ પરિવારજનોએ પણ ઉપસ્થિત રહીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.