મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લામાં આવેલ એકમાત્ર નવલખી બંદરોને વિકસાવી, અધ્યતન બનાવી દરેક પ્રકારની વસ્તુઓની આયાત-નિકાસ માટે ખુલ્લુ મૂકવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે મોરબી જિલ્લામાં એકમાત્ર નવલખી બંદર આવેલું છે. આ બંદર મોરબીમાં જે તે વખતના દીર્ઘદ્રષ્ટા મહારાજા સાહેબ દ્વારા બનાવવામાં આવેલ અને જે તે સમયે આ બંદર દ્વારા સૌરાષ્ટ્રમાથી કચ્છમાં તેમજ હાલમાં પાકિસ્તાનમાં આવેલ કરાચી બંદર સાથે માલવાહક જહાજ તરીકે ઉપરાંત માણસોની અવર-જ્વર માટેની પણ વ્યવસ્થા હતી. તેમજ અન્ય દેશો સાથે પણ આયાત-નિકાસ કરાતી હતી. અંગ્રેજો પણ આ બંદરે આવ-જા કરતાં હતા અને નવલખી બંદર સમગ્ર દેશમાં સોથી વ્યસ્ત બંદરો માહેનું એક બંદર તરીકે નામના ધરાવતું બંદર હતું. દેશ આઝાદ થયા પછી પણ કચ્છ સાથે અવર જવર માટે આ બંદર એક માત્ર વ્યવસ્થા હતી. બાદમાં સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો સૂરજબારી પુલ બન્યા પછી માણસોની અવરજવર કાળક્રમે ઓછી થઈ જતાં આ સેવા બંધ થયેલ પરંતુ માલની અવરજવર અન્ય દેશો સાથે ખુબ જ મોટા પ્રમાણમાં ચાલુ જ હતી. જે લગભગ 2000ની સાલ સુધી ચાલુ હતી. પરંતુ છેલ્લા વીસ વર્ષથી કોલશાની આયાત-નિકાસનું ગ્રહણ લગતા આ બંદર ઉપર અન્ય માલ સમાનની આયાત-નિકાસ બંધ થયેલ છે. મોરબી જિલ્લામાથી સિરામિક આઇટમો તેમજ મીઠાનું મોટા પાયે ઉત્પાદન થાય છે. અને તેનું એક્સપોર્ટ પણ થાય છે. તે ઉપરાંત, સિરામિક માટેની મશીનરી તેમજ અન્ય મટીરિયલ્સનું મોટા પાયે ઇમ્પોર્ટ પણ થાય છે. જે હાલે કંડલા, મુંદ્રા કે પીપાવાવ પોર્ટ ઉપરથી થાય છે. જેના કારણે મોરબીના ઉદ્યોગકારોને ટ્રાન્સપોર્ટિંગનો વધારાનો ચાર્જ ભોગવવો પડે છે. ત્યારે એવી માગણી છે કે મોરબી જિલ્લાના એક માત્ર નવલખી બંદર ને આધુનિક બનાવીને મોરબીથી થતું એકસ્પોર્ટ મટિરિયલ્સ નવલખી બંદરેથી અન્ય દેશોમાં જાય અને બીજા દેશોમાથી મોરબી આવતું મટિરિયલ્સ નવલખી બંદરે આવી શકે તેવું કરવામાં આવે. જેથી, હાલમાં મંદીનો સામનો કરી રહેલ સિરામિક ઉદ્યોગને તેમજ મીઠાના ઉદ્યોગને મોટો ફાયદો થશે. જેનાથી, સરકારને ટેક્સની આવકમાં વધારો થશે. તો આ બાબતે હકારાત્મક વિચારીને યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ છે.