મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થાઓ દ્વારા બોયઝ હાઈસ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી, સોસાયટી સંચાલિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, શાળા-કોલેજમાં વર્ષ દરમિયાન થયેલ પ્રવૃતિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર પુરસ્કાર વિતરણ સહિતના કાર્યક્રમો સંસ્થાના મંત્રી રજનીકાંતભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયા હતા. કાર્યક્રમના આરંભે ડો. ગરમોરા દ્વારા મુખ્ય મહેમાન કેતનભાઈ દફતરીનો પરિચય અને શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NCCના કેડેટ્સ સાથે કેતનભાઈ દફતરીએ ધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી ધ્વજવંદન કર્યું હતું. આ તકે કેતનભાઈએ રાષ્ટ્રભાવના વિકસાવવા અંગે પ્રાસંગોચીત ઉદબોધન આપ્યું હતું. તેમજ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાએ પણ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ તકે કાર્યક્રમનું આભાર દર્શન સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક, પિરામિડ, નૃત્ય, વક્તૃત્વની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રસાળ શૈલીમાં કરવામાં આવ્યું હતું. નાટકમાં પ્રથમ ક્રમાંક 'લાડલી' ગર્લ્સ હાઈસ્કૂલ, દ્વિતીય ક્રમાંક 'મોબાઈલ માઇન' NCC અને તૃતીય ક્રમાંક 'રાષ્ટ્રીય એકતા' સાયન્સ કોલેજને મળેલ હતો. કાર્યક્રમના ત્રીજા તબક્કામાં વશ દરમિયાન વિવિધ પ્રવૃતિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને તેમજ બોર્ડ અને યુનિવર્સીટીની પરીક્ષામાં પ્રથમ-દ્વિતીય ક્રમે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રના પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સંસ્થાના મંત્રી રજનીકાંતભાઈ મહેતા તેમજ મુખ્ય મહેમાન તરીકે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયા, કોમર્સ કોલૅજના પ્રોફેસર ડો. પરમાર, ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન જાદવ સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.