લોકો પાસેથી પૈસા પડાવીને ખરીદેલી કાર તેમજ મોરબી પાલિકા, સુરત મહાપાલિકા અને આરટીઓના સિક્કા કબજે કરતી એ ડિવિઝન પોલીસ મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી આવાસ અને વડાપ્રધાન આવાસ યોજનાના કવાર્ટરમાં મકાન અપાવવાની લાલચ આપીને નવ ગરીબ લોકો સાથે ૩.૧૫ લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર શખ્સની 3 દિવસની રિમાન્ડ દરમિયાન એ ડિવિઝન પોલીસે આરોપીએ લોકો પાસેથી પૈસા પડાવીને ખરીદેલી કાર તેમજ મોરબી પાલિકા, સુરત મહાપાલિકા અને આરટીઓના સિક્કા કબજે કર્યા છે. આજે તેની રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા જયશ્રીબેન સંજયભાઈ ઉપાધ્યાયએ, મોરબીના વિશાલ ભરતભાઇ પંચોલી નામના શખ્સની સામે મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરમાં મકાન આપવાની લાલચ આપીને જરૂરિયાતમંદ લોકો પાસેથી ૩.૧૫ લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ રકમ ફરિયાદી જયશ્રીબેન સહીત ચાર વ્યક્તિઓ પાસેથી લીધી હતી. આ પૈકી ભોગ બનેલા મહેતા અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, આ શખ્સે કુલ મળીને દસેક વ્યક્તિઓ પાસેથી ક્વાર્ટર અપાવી દેવાની લાલચ આપી 60થી 85 હજાર સુધીની રકમ પડાવી લીધી હતી. ભેજાબાજ વિશાલે લોકોને વિશ્વાસમાં લેવા માટે તમામ લોકોને મોરબી પાલિકાના ખોટા સહી સિકક્કા કરીને અસલી દસ્તાવેજની જેમ ખોટા દસ્તાવેજ કરી આપ્યા હતા. પોલીસે વિશાલની ઓફિસની તલાસી લેતા ત્યાંથી મોરબી પાલિકા, સુરત મહાપાલિકા, આરટીઓ અને ઓઆઈજીએસના સિક્કા મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કર્યા છે.આરોપીએ આગાઉ માળિયા તાલુકામાં નકલી પોલીસ બનીને જુગારની રેડ કરી હતી અને પોલીસના નામે 24300 રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારે તેની સામે ગુન્હો નોંધાયો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઊપરાંત મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમા તેની સામે પત્નીને ત્રાસ દેવાનો ગુન્હો પણ અગાઉ નોંધાયો હતો.આવાસ યોજનાના નામે છેતરપીંડી કરનાર આ શખ્સની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન કઈ વધુ ગુના સામે આવ્યા ન હતા. પોલીસે તેને લોકો પાસેથી પૈસા પડાવીને ખરીદેલી ઈન્ડિગો કાર કબજે કરીને જેલ હવાલે કરી દીધો છે.