રાજ્યનું એકપણ બાળક કુપોષિત ન રહે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : બી.એચ.ઘોડાસરા મોરબી : મોરબી જિલ્લામાં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્તરમાં વધારો કરવાના હેતુસર યોજાયેલા પોષણ અભિયાનનો ગુજરાત રાજય બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમના ચેરમેન બી.એચ.ઘોડાસરા દ્વારા મોરબી તાલુકાના રાજપર ગામેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ અવસરે ગુજરાતના દરેક બાળક, કિશોરી અને દરેક માતાને સુપોષિત બનાવવાના અભિયાનમાં સહયોગી બનવા અનુરોધ કરતાં ગુજરાત રાજય બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમના ચેરમેનશ્રી બી.એચ.ઘોડાસરાએ જણાવ્યું હતું કે, રાજ્યનું એકપણ બાળક કુપોષિત ન રહે તેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આંગણવાડીમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાક કિશોરીઓ, ધાત્રીમાતાઓ અને બાળકોને આપવામાં આવે છે, જેનું નિયમિત સેવન કરવું જોઇએ. તંદુરસ્ત ગુજરાત બનાવવા માટે સૌ સહિયારી જવાબદારીથી જોડાશું તો આ કાર્યક્રમને જરૂર સફળ બનાવી શકીશું. જિલ્લાનું દરેક બાળક સુપોષિત બને તે હેતુસર બાળકોને પોષક આહાર નિયમિતપણે મળે તેની સરકાર દ્વારા ચિંતા કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. વાકાંનેર તાલુકાના પાડધરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં વાકાંનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનને અનુલક્ષીને બાળ તંદુરસ્ત હરિફાઇ, વાનગી હરિફાઇ યોજવામાં આવી હતી. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. મહાનુભાવોના હસ્તે પાલક વાલીઓનું સન્માન, અન્નપ્રાશન અને ટી.એચ.આર.નું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોષણ આરતી, પોષણ અદાલત તેમજ પોષણ જીવનચક્રને લગતી બે ફિલ્મોનું નિદર્શન કરી પોષણ અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો. ઉપસ્થિતોએ પોતાના બાળકોને સુપોષિત બનાવાવમાં સંપૂર્ણ સહયોગ આપવાના શપથ લીધા હતા. આ ઉપરાંત હળવદ તાલુકાના સપાકડા, ટીકર, ઘનશ્યામપુર, મોરબી તાલુકાના ઘુંટુ, ગોરખીજળીયા, ટંકારા તાલુકાના હળમતીયા, ટંકારા, વાકાંનેર તાલુકાના પડધરા, પંચાસર ખાતે વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાયા હતા. મોરબી જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસના ચેરમેન રેખાબેન એરવાડીયા, ડે. ડીડીઓશ્રી પી.વી.વસૈયા, અગ્રણી દુર્ભજીભાઇ દેથરીયા, રાજપરના સરપંચશ્રી નિતિક્ષાબેન મારવડીયા, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વાકાંનેરના પડાધરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી વાઘજીભાઇ ડાંગરોચા, મામલતદારશ્રી પાદરીયા, પશુ ડૉક્ટર વિમલભાઇ વસીયાણી, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભુભાઇ વીંઝવાડીયા, સરપંચ રાજનભાઇ ડૈણીયા, આંગણવાડી વર્કર, તેડાગર બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.