ઊડતી ધૂળની ડમરીઓથી નાગરિકોના સ્વાસ્થ્યને ગંભીર અસર : દસ મહિનાથી મંજુર થયેલો સિમેન્ટ રોડ હજુ હવામાં મોરબી : રોડ રસ્તાની ભંગાર હાલત સમગ્ર મોરબી શહેરમાં હવે આરોગ્યના પ્રશ્નો પણ જન્માવી રહી છે. ઉભરાતી ગટરો અને ગંદકીના ગંજ વચ્ચે રોડ રસ્તાઓની ખસ્તા હાલતથી નગરજનો ત્રસ્ત થઈ ગયા છે. આમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું ન હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી રહ્યો છે. મોરબીના માધાપર કપિલા ચોકથી વાવડી તરફ જતો રોડ ખૂબ બિસ્માર થઈ ગયો છે. આવા રસ્તે ચાલતા વાહનોને કારણે ધૂળની ડમરીઓ સતત ઊડતી રહે છે. જે આ વિસ્તારની સોસાયટીઓમાં દિવસભર ઊડતી રહેતી હોવાથી સ્થાનિકોમાં શરદી, ખાંસી અને શ્વાસની બીમારી ફેલાઈ રહી છે. લોકોને ઘરના બારી દરવાજા હંમેશા બંધ રાખીને જ કેદમાં રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થતા સ્થાનિકો હવે અકળાયા છે.વાવડી રોડ પર આવેલી સોમૈયા, લોગજીવન, ભગવતીપરા, મિલનપાર્ક, જનક, રવિ પાર્ક, શ્રીજી પાર્ક, આશાપુરા, નંદનવન, મીરા પાર્ક, રાધા પાર્ક, ગાયત્રીનગર, ઉમિયા, ધર્મલાભ, ગણેશનગર, ક્રિષ્ના પાર્ક તથા સત્યમ પાર્ક જેવી દોઢ ડઝનથી વધુ સોસાયટીના રહેવાસીઓમાં ભંગાર રોડ-રસ્તાને લઈને ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાંથી શાળાએ જતા બાળકો, વૃદ્ધો, મહિલાઓને ચાલવું પણ મુશ્કેલ બને એ હદે રોડ-રસ્તાઓ પરથી ધૂળની ડમરીઓ દિવસભર ઊડતી રહે છે. શાળાએ બાળકોને લેવા-મુકવા જતા વાહનો પર ગંભીર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 10 માસ પહેલા આ રોડ સિમેન્ટનો બનાવવા માટે મંજૂરી અપાઈ ગઈ છે છતાં ફાઇલ ક્યાં અટકે છે તે સ્થાનિકો સમજી શકતા નથી. આટલા ભંગાર રસ્તા પર પણ અમુક છેલબટાઉ જુવાનિયાઓ ધૂમ સ્ટાઈલમાં વાહનો ચલાવતા નીકળે છે. નવા સિમેન્ટ રોડની કામગીરી શરૂ થાય ત્યારે અમુક અંતરે યોગ્ય માપ-સાઈઝના સ્પીડ બ્રેકર મુકાય એવી માંગ સાથે વાવડી રોડ સ્થિત અલગારી ગ્રુપના સંજય અલગારી તથા બીપીન વડગાસીયાએ જિલ્લા કલેકટરને આવેદન સોંપ્યું છે. વોર્ડ નંબર એકમાં જ આવેલ નવલખી રોડ પર કુબેરનગર 1-2-3, રોયલ પાર્ક, અક્ષરધામ, રામનગર, શ્યામનગર, વીટીનું નગર સહિતની સોસાયટીઓના પાણીના નિકાલ માટે રોડ નજીક આવેલા નાલામાથી દબાણ દૂર કરી પાણીના નિકાલ માટે હાલના એક પાઈપની જગ્યાએ ત્રણ પાઇપ નાંખી, નાલાની સફાઈ કરી, રેલવે કોલોનીથી ભારત જિન સુધી કવર્ડ સી.ચેનલ કરવાની માંગ પણ આવેદનપત્રમાં કરાઈ છે. અગાઉ કરેલી રજુઆત બાદ ચીફ ઓફિસરને સૂચના અપાઈ હોવા છતાં હજુ આ કાર્યવાહી ન થઈ હોવાનો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે ત્યારર હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાનું નિવારણ ક્યારે કરે છે.