આંદરણા ગામે ચાવડા પરિવારે દીકરીના લગ્નમાં જાનનું પુષ્પગુચ્છને બદલે પુસ્તકથી સ્વાગત કરીને સમાજને નવો રાહ ચીંધ્યો મોરબી : લગ્નપ્રસંગોમાં અનેક રિવાજો અને પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. ખાસ કરીને હવે દીકરીના ઘરે જાન આવે ત્યારે એ દીકરીનો પરિવાર ઉમળકાભેર વરરાજા તથા જાનૈયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરતો હોય છે. ત્યારે મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા ચાવડા પરિવારે આ પરંપરામાં નવતર પહેલ કરી છે. જેમાં ચાવડા પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના લગ્નમાં વરરાજા તથા જાનૈયા અને માંડવિયા પક્ષના લોકોનું પુષ્પગુચ્છને બદલે જીવન ઉપયોગી પુસ્તકોથી સ્વાગત કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો. મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા કેશુભાઈ મોહનભાઈ ચાવડાની દીકરી લક્ષમીબેનના લગ્ન વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા કાન્જીભાઈ છગનભાઇ મોરડીયાના પુત્ર મહેન્દ્રકુમાર સાથે આજે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. દરમિયાન વાંકાનેરના પંચાસર ગામેથી જાન આજે સવારે આંદરણા ગામે આવી પહોંચી હતી. ત્યારે ચાવડા પરિવારે દીકરીની આ જાનનું સ્વાગત કરવામાં પ્રેરણાદાયી પહેલ કરી હતી. જેમાં ચાવડા પરિવારના મોભી ચાવડા દેવજીભાઈ મોહનભાઇ તથા દીકરીના પિતા કેશુભાઈ મોહનભાઇ ચાવડા તેમજ ચાવડા હસમુખભાઈ કેશુભાઈ, ચાવડા પ્રકાશભાઈ દેવજીભાઈ, મેંહુલભાઈ, ભરતભાઈ, મહેન્દ્રભાઈ સાહિતનાએ વરરાજા તથા જાનૈયા અને માંડવીયા પક્ષના લોકોને પુષ્પગુચ્છને બદલે ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તકોને ભેટમાં આપી આ તમામનું ઉમળકાભેર સ્વગત કર્યું હતું. જો કે હાલના મોબાઈલના યુગમાં લોકોની વાંચન પ્રત્યેની રુચિ ઘટી રહી છે. ત્યારે લોકોમાં જીવન ઉપયોગી પુસ્તકોના વાંચનમાં રસ કેળવાઈ તે માટે ચાવડા પરિવારે આ નવતર પહેલ કરીને સમગ્ર સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.